
ક્રિકેટમાં ઘણી વખત ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી, ગેરવર્તણૂક અથવા ધક્કામુક્કીની ઘટનાઓ સામે આવે છે. પરંતુ આવી સ્થિતિમાં ICC કયા નિયમો હેઠળ કાર્યવાહી કરે છે અને ખેલાડીઓને કેવી સજા મળે છે તે ઘણા ચાહકોને ખબર નથી હોતી. ICCની આચારસંહિતા મુજબ ગુનાની ગંભીરતા અનુસાર દંડ, પ્રતિબંધ અને અન્ય કાર્યવાહી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડીઓના વર્તન પર નજર રાખવા માટે ICC દ્વારા ‘કોડ ઓફ કન્ડક્ટ’ બનાવવામાં આવ્યો છે. કોઈ ખેલાડી મેદાન પર ગેરવર્તણૂક કરે, અપશબ્દો બોલે અથવા વિરોધી ખેલાડી સાથે અથડામણ કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
ICC સૌથી સામાન્ય સજા તરીકે ખેલાડીની મેચ ફીમાંથી દંડ વસૂલે છે. ગુનાની ગંભીરતા મુજબ 15 ટકાથી લઈને 100 ટકા સુધીની મેચ ફી કાપી શકાય છે. ઘણા કેસોમાં ખેલાડીઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
દરેક ગુના સાથે ખેલાડીના ખાતામાં ડિમેરિટ પોઈન્ટ્સ ઉમેરવામાં આવે છે. આ પોઈન્ટ્સ 24 મહિના સુધી માન્ય રહે છે. જો કોઈ ખેલાડી વારંવાર નિયમોનો ભંગ કરે તો તેના માટે મુશ્કેલી વધી શકે છે.
જો કોઈ ખેલાડીના ડિમેરિટ પોઇન્ટ્સ નક્કી મર્યાદા સુધી પહોંચી જાય અથવા ગંભીર ગુનો સાબિત થાય, તો તેને આગામી ટેસ્ટ, વન-ડે અથવા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ સજા ટીમ માટે પણ મોટો ફટકો સાબિત થઈ શકે છે.
ICC લેવલ-1થી લેવલ-4 સુધી ગુનાઓને વર્ગીકૃત કરે છે. લેવલ-4 સૌથી ગંભીર શ્રેણી માનવામાં આવે છે. મેદાન પર શારીરિક હુમલો અથવા અત્યંત ગંભીર ગેરવર્તણૂકના કેસમાં ખેલાડી પર લાંબા ગાળાનો અથવા આજીવન પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે છે. તેથી ICCના નિયમો ખેલાડીઓને રમતની ભાવના જાળવવા માટે જવાબદાર બનાવે છે.
Published On - 9:32 pm, Tue, 16 June 26