
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન એક ઘટનાએ ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાનના બેટ્સમેન સલમાન આગા રનઆઉટ થતાં મેદાનમાં વિવાદ ઉભો થયો હતો. આ ઘટના પછી ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
આ મેચમાં પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું. પાકિસ્તાની ઈનિંગની 39મી ઓવરના ચોથા બોલ પર આ ઘટના બની. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાઝ બોલિંગ કરી રહ્યો હતો, જ્યારે મોહમ્મદ રિઝવાન સ્ટ્રાઈક પર બેટિંગ કરી રહ્યો હતો.
રિઝવાને બોલને હળવો ધક્કો માર્યો, જેના કારણે બોલ બોલર તરફ પાછો ઉછળ્યો. આ દરમિયાન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલો સલમાન આગા ક્રીઝની બહાર હતો. બોલ સલમાનના બેટ સાથે અથડાયો અને પછી મેહદી હસનના હાથમાં ગયો, જેના કારણે અચાનક પરિસ્થિતિ સર્જાઈ.
ઘટના દરમિયાન સલમાન આગા અને મેહદી હસન વચ્ચે થોડી ટક્કર પણ થઈ. સલમાનને લાગ્યું કે બોલ હવે રમતમાં નથી, તેથી તે બોલ ઉપાડવા માટે નીચે ઝૂક્યો. પરંતુ તે આમ કરી શકે તે પહેલાં મેહદી હસને ઝડપથી બોલ ઉઠાવી સ્ટમ્પ પર ફેંકી દીધો અને રનઆઉટ માટે અપીલ કરી.
આ મામલો ત્રીજા અમ્પાયર સુધી ગયો, જ્યાં નિયમો અનુસાર સલમાન આગાને આઉટ જાહેર કરવામાં આવ્યો. નિર્ણય સાંભળ્યા પછી સલમાન આગા સ્પષ્ટપણે નિરાશ અને ગુસ્સામાં દેખાયો હતો. તે થોડા સમય સુધી મેદાનમાં ઉભો રહી બાંગ્લાદેશી ખેલાડીઓ તરફ જોઈ રહ્યો હતો.
Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz
— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026
આઉટ જાહેર થયા પછી સલમાન આગાએ પહેલા પોતાના ગ્લોવ્સ ઉતારીને મેદાનમાં ફેંકી દીધા અને પછી ગુસ્સામાં પોતાનું હેલ્મેટ પણ જમીન પર ફેંકી દીધું. જ્યારે તે ડ્રેસિંગ રૂમ તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે પણ તેનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળતો હતો. ત્યારબાદ મોહમ્મદ રિઝવાન પણ બાંગ્લાદેશી ખેલાડીઓ સાથે ચર્ચા કરતો જોવા મળ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા ક્રિકેટપ્રેમીઓ આ ઘટનાને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો નિયમો અનુસાર લેવાયેલા નિર્ણયને યોગ્ય ગણાવી.
Published On - 10:26 pm, Fri, 13 March 26