Ben Stokes IPL 2023: બેન સ્ટોક્સ 16.25 કરોડ રુપિયામાં ખરીદાયો, ચેન્નાઈ સુપર કિંગ્સનો બન્યો હિસ્સો
Ben Stokes CSK Player: આ પહેલા પણ બેન સ્ટોક્સ આઈપીએલમાં મોંઘા ખેલાડીઓની યાદીમાં રહી ચુક્યો છે. 2017 અને 2018ના વર્ષમાં ઓક્શન દરમિયાન તે સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો

બેન સ્ટોક્સ આ નામ ટી20 ક્રિકેટમાં હિરો તરીકે લેવામાં આવે છે. તેણે પોતાના દેશની ક્રિકેટ ટીમને 2 વાર મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ચેમ્પિયન બનાવ્યુ છે. પહેલા 2019માં રમાયેલ વન ડે ક્રિકેટ વિશ્વકપમાં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યુ. બાદમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલ 2022 ના ટી20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડને વિજયી બનાવ્યો. બંનેમાં બેન સ્ટોક્સની ભૂમિકા મહત્વની રહી છે. તે દરેક વખતે મુશ્કેલીમાંથી ઈંગ્લેન્ડની ટીમને બહાર નિકાળની વિજયી માર્ગ પર લઈ આવ્યો છે. એટલે જ તેને મુશ્કેલ સમયમાં બહાર નિકાળનાર આશાના કિરણ તરીકે જોવામાં આવે છે. હવે આ ખેલાડી પર સ્વાભાવિક જ આઈપીએલ ની ટીમોની નજર હોય. એવુ જ થયુ તેનુ નામ બોલીમાં બોલાવા લાગતા જ તે ધારણા પ્રમાણે મોંઘા ખેલાડી તરીકે ખરીદાયો.
ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં બેન સ્ટોક્સને ખરીદ્યો. આ સાથે જ સ્ટોક્સ ચેન્નાઈનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ટી20 વિશ્વકપની ફાઈનલમાં જે પ્રમાણે તેણે પાકિસ્તાન સામે બેટિંગ કરી હતી. તેને લઈ જ તે આઈપીએલમાં ફેવરિટ રહેવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. તેની રમતે આઈપીએલ ફ્રેન્ચાઈઝીનીઓનુ ધ્યાન ખેંચ્યુ હતુ.
પહેલા પણ મોંઘો ખેલાડી રહી ચુક્યો છે
ઈંગ્લેન્ડનો આ શાનદાર ખેલાડી પહેલા પણ આઈપીએલનો હિસ્સો મોંઘા ખેલાડી તરીકે બન્યો હતો. અગાઉ તે સળંગ બે ઓક્શનમાં મોંઘા ખેલાડી તરીકે રહ્યો હતો. વર્ષ 2017ની સિઝનમાં આઈપીએલમાં પ્રથમ વાર હિસ્સો બન્યો હતો. એ વખતે સ્ટોક્સને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સે ખરિદ્યો હતો. પૂણેની ટીમે તેની પાછળ એ વખતે 14.50 કરોડ રુપિયા ખર્ચ કર્યા હતા. એ વખતે સૌથી મોંઘો વિદેશી ખેલાડી રહ્યો હતો. જોકે તે પૈસા વસૂલ પ્રદર્શન આઈપીએલમાં તે વખતે દર્શાવી ચુક્યો હતો. તેણે 2017માં 12 મેચો રમીને 316 રન નોંધાવ્યા હતા અને 12 વિકેટ ઝડપી હતી. તેની ટીમ એ વખતે ફાઈનલની સફર ખેડી શકી હતી.
2018માં મોંઘા ખેલાડી તરીકે રહ્યો
જોકે પુણે બાદ તે આગળની સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો હિસ્સો બન્યો હતો. અહીં તે 12.50 કરોડ રુપિયાની પ્રાઈસ સાથે જોડાયો હતો. તે વખતે એ મેગા ઓક્શનનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. જોકે તેના માટે રાજસ્થાનમાં જોડાયા બાદ આગળની સિઝન સારી નિવડી નહોતી. જોકે દરમિયાન તેણે એક સદી નોંધાવી હતી.
ઓવરઓલ આઈપીએલ કરિયર જોવામાં આવે તો તે કુલ 5 આઈપીએલ સિઝનનો હિસ્સો રહી ચુક્યો છે. જેમાં તેણે 43 મેચો રમી છે. આ દરમિયાન 134.50ની સ્ટ્રાઈક રેટ સાથે 920 રન નોંધાવ્યા છે. જ્યારે 28 વિકેટ પોતાના નામે ધરાવે છે.