5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફી શરૂ થઈ રહી છે. જેની ફાઈનલ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં દુલીપ ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડ માટે ચાર ટીમોની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ રમતા જોવા મળશે. પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટથી દૂર રહેશે. આ બંને ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં કેમ ભાગ નથી લઈ રહ્યા તેની પાછળનું કારણ સામે આવ્યું છે.
BCCI સેક્રેટરી જય શાહે રોહિત શર્મા અને વિરાટ કોહલી દુલીપ ટ્રોફીમાં કેમ નથી રમી રહ્યા તેનું કારણ જણાવ્યું છે. જય શાહના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ માટે વર્કલોડ મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. જય શાહે કહ્યું, ‘રોહિત અને વિરાટ સિવાય તમામ ખેલાડીઓ રમી રહ્યા છે. આની પ્રશંસા થવી જોઈએ. અમે વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ પર રમવાનું દબાણ ન બનાવી શકીએ. આમ કરવાથી ઈજા થવાનું જોખમ રહેલું છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ પર ભારતીય વનડે ટીમનો ભાગ હતા. બંને ખેલાડીઓ શ્રેણીની ત્રણેય વનડે મેચ રમ્યા હતા. આ સિરીઝ બંને ટીમો માટે ઘણી ખાસ હતી. રોહિત અને વિરાટ 7 વર્ષ બાદ વનડે સિરીઝ રમવા શ્રીલંકા ગયા હતા. હવે ભારતે આવતા મહિને બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે અને તે પછી ટીમને કોઈ બ્રેક નહીં મળે. આવી સ્થિતિમાં રોહિત અને વિરાટ પર આ ટૂર્નામેન્ટમાં રમવાનું કોઈ દબાણ નથી.
આ ટુર્નામેન્ટમાં ભારતની ODI અને T20 ઈન્ટરનેશનલ ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલની સાથે કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, રવીન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ રમતા જોવા મળશે. ઈન્ડિયા A ની કેપ્ટનશીપ શુભમન ગિલ કરશે. અભિમન્યુ ઈશ્વરનને ઈન્ડિયા B નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ઈન્ડિયા C ની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે અને ઈન્ડિયા D ની કપ્તાની શ્રેયસ અય્યર કરશે.
આ પણ વાંચો: ‘વિનેશની જાનને હતું જોખમ’ કોચ વોલર અકોસે કહી તે રાતની પૂરી ઘટના