48 રનમાં 6 વિકેટ ગુમાવી, ત્યારબાદ અક્ષરે પટેલે 6 સિક્સરની મદદથી 86 રન ફટકારી ટીમને બચાવી
અક્ષર પટેલે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં શાનદાર ઈનિંગ રમી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા D તરફથી રમતા તેણે 86 રન બનાવ્યા હતા. ઈન્ડિયા Dએ 48 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ અક્ષર આઠમાં નંબર પર આવ્યો અને બોલરો સાથે મળીને આ મહત્વપૂર્ણ ઈનિંગ રમી.
BCCIની ડોમેસ્ટિક સિઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી થઈ છે. ઈન્ડિયા C અને ઈન્ડિયા D વચ્ચે 5 સપ્ટેમ્બરે અનંતપુરમાં મેચ રમાઈ રહી છે. ઈન્ડિયા Cની કપ્તાની ઋતુરાજ ગાયકવાડ કરી રહ્યો છે, જ્યારે શ્રેયસ અય્યરને ઈન્ડિયા Dની કમાન મળી છે. ગાયકવાડે ટોસ જીતીને અય્યરની ટીમને બેટિંગ માટે બોલાવી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી અય્યરની ઈન્ડિયા D ગાયકવાડના બોલરો સામે ઝઝૂમી રહી હતી. એક પછી એક આંચકા આવી રહ્યા હતા અને ટીમે 48 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ અક્ષર પટેલ આઠમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ પછી તેણે 86 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
શ્રેયસ અય્યર-રિષભ પંત સસ્તામાં આઉટ
દુલીપ ટ્રોફી ટીમ ઈન્ડિયામાં ઘણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જોકે, પ્રથમ દિવસે શ્રેયસ અય્યર અને રિષભ પંત સહિતના સ્ટાર બેટ્સમેનો મોટા સ્કોર કરવા માં નિષ્ફળ રહ્યા હતા. ઈન્ડિયા D તરફથી રમતા અક્ષર પટેલે પોતાની શાનદાર ઈનિંગ વડે અય્યરન ટીમને ડૂબતા બચાવી હતી. ઈન્ડિયા Dએ પહેલી જ ઓવરથી વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. અય્યર પણ માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 48ના સ્કોર સુધીમાં ટીમે 6 વિકેટ ગુમાવી દીધી હતી.
અક્ષર પટેલે 78 બોલમાં ફિફ્ટી ફટકારી
હવે ટીમની છેલ્લી આશા અક્ષર પટેલ હતો. અક્ષર પટેલે દબાણ સહન કરવાને બદલે, આક્રમક બેટિંગથી સામેની ટીમ પર દબાણ બનાવવાનું નક્કી કર્યું. તેણે ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કર્યું અને 78 બોલમાં ફિફ્ટી ફટકારી. અક્ષર પટેલે 118 બોલમાં 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં તેણે 6 ફોર અને 6 સિક્સર પણ ફટકારી હતી.
ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી
અક્ષર પટેલની આ ઈનિંગની ખાસ વાત એ હતી કે તેણે બોલરોની સાથે દબાણમાં પણ રન બનાવ્યા હતા. એક સમયે ઈન્ડિયા D 100 રન સુધી પહોંચવા માટે તલપાપડ હતી. પરંતુ કાઉન્ટર એટેકથી ભરેલી અક્ષર પટેલની ઈનિંગ્સ સાથે ઈન્ડિયા D ટીમને 164ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી. અક્ષરે અર્શદીપ સિંહ સાથે મળીને 84 રનની ભાગીદારી કરી હતી. અર્શદીપ સિંહ 160ના સ્કોર પર નવમી વિકેટ તરીકે આઉટ થયો હતો. આ પછી અક્ષરે ફરી એકવાર ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કેચ આઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો: IPL 2024માં 435 રન બનાવનાર KKRનો આ ખતરનાક બેટ્સમેન બન્યો ઈંગ્લેન્ડની T20 ટીમનો કેપ્ટન