IND vs UAE: ટીમ ઈન્ડિયાએ માત્ર 27 બોલમાં મેચ જીતી, UAEને ખરાબ રીતે હરાવ્યું

એશિયા કપ 2025ની બીજી મેચ ભારત અને સંયુક્ત આરબ અમીરાતની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ UAEની ટીમને એકતરફી રીતે 9 વિકેટથી હરાવી હતી. આ મેચમાં ભારતની જીતના હીરો કુલદીપ યાદવ અને શિવમ દુબે હતા.

IND vs UAE: ટીમ ઈન્ડિયાએ માત્ર 27 બોલમાં મેચ જીતી, UAEને ખરાબ રીતે હરાવ્યું
Team India
Image Credit source: Getty Images
| Updated on: Sep 10, 2025 | 10:15 PM

એશિયા કપ 2025ના ગ્રુપ Aની પહેલી મેચ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે પોતાની શાનદાર બેટિંગ અને બોલિંગથી UAEને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. ભારતને આ મેચ જીતવા માટે એક નાનો લક્ષ્યાંક મળ્યો હતો, જેને અભિષેક શર્મા અને શુભમન ગિલની જોડીએ એકતરફી બનાવ્યો હતો.

UAEની ટીમ 57 રનમાં ઓલઆઉટ

મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પોતાની મજબૂત શરૂઆતથી વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને UAEના બેટ્સમેનોને રન બનાવવાની વધુ તક આપી નહીં. જસપ્રીત બુમરાહે ટીમને પ્રથમ સફળતા અપાવી અને ત્યારબાદ વિકેટોનો ધસારો શરૂ થયો. UAE તરફથી ઓપનર અલીશાન શરાફુએ સૌથી વધુ 22 રન અને કેપ્ટન મુહમ્મદ વસીમે 19 રન બનાવ્યા. આ જોડી સિવાય કોઈ પણ બેટ્સમેન 10 રનનો આંકડો સ્પર્શી શક્યો નહીં.

 

કુલદીપની ચાર, શિવમની ત્રણ વિકેટ

ભારતના બધા બોલરોએ ખૂબ જ સારી બોલિંગ કરી. ખાસ કરીને કુલદીપ યાદવ અને શિવમ દુબે સૌથી સફળ રહ્યા. કુલદીપ યાદવે 2.1 ઓવરમાં ફક્ત 7 રન આપ્યા અને 4 વિકેટ લીધી. શિવમ દુબેએ પણ ફક્ત 2 ઓવર ફેંકી અને 4 રન આપીને 3 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા.

27 બોલમાં લક્ષ્યનો પીછો કર્યો

ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે ફક્ત 52 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારત તરફથી અભિષેક શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી અને પહેલા જ બોલથી આક્રમક શરૂઆત કરી. અભિષેક શર્માએ 15 બોલમાં 30 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય શુભમન ગિલે 8 બોલમાં 16 રનની અણનમ ઈનિંગ રમી. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ 1 બોલ રમ્યો અને એક છગ્ગો ફટકાર્યો. જેના કારણે ભારતે આ લક્ષ્ય માત્ર 4.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધું.

આ પણ વાંચો: ICC Rule Book EP 41 : Unfair play – ક્રિકેટમાં અનફેર પ્લે અંગે શું છે ICC નો નિયમ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો