Ashes 2021: સિડની ટેસ્ટમાં 2 શતક ફટકાર્યા છતાં ઉસ્માન ખ્વાજાને હોબાર્ટ ટેસ્ટમાં સ્થાન મળવાની આશા નહી, જાણો કેમ?

Ashes 2021: સિડની ટેસ્ટમાં 2 શતક ફટકાર્યા છતાં ઉસ્માન ખ્વાજાને હોબાર્ટ ટેસ્ટમાં સ્થાન મળવાની આશા નહી, જાણો કેમ?
Usman Khawaja

ડાબોડી બેટ્સમેન ખ્વાજા (Usman Khawaja)લગભગ અઢી વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં પરત ફર્યો હતો અને આવતાની સાથે જ તેણે સિડની ટેસ્ટ (Sydney Test) ની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jan 08, 2022 | 9:41 PM

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના બેટ્સમેન ઉસ્માન ખ્વાજા (Usman Khawaja) એ ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીની સિડની ટેસ્ટ (Sydney Test) માં જબરદસ્ત ઈનિંગ કરીને ખળભળાટ મચાવી દીધો છે. લગભગ અઢી વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહેલા ખ્વાજાએ આ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી છે. પ્રથમ દાવમાં 137 રન બનાવ્યા બાદ ખ્વાજાએ શનિવારે 8 જાન્યુઆરીએ મેચના ચોથા દિવસે બીજી ઇનિંગમાં પણ 101 રન બનાવ્યા હતા. આ રીતે ખ્વાજાએ શાનદાર રીતે ટીમની વાપસીની ઉજવણી કરી હતી.

ત્રણ દિવસમાં બે જબરદસ્ત ઇનિંગ્સ રમી હોવા છતાં ખ્વાજા આગામી ટેસ્ટમાં રમે તેવી અપેક્ષા નથી. શ્રેણીની છેલ્લી ટેસ્ટ હોબાર્ટમાં યોજાવાની છે અને ખ્વાજા માની રહ્યા છે કે તે તે ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં નહીં હોય.

35 વર્ષીય ડાબોડી બેટ્સમેનને શ્રેણીની પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં તક મળી ન હતી. તેના સ્થાને ડાબોડી બેટ્સમેન ટ્રેવિસ હેડ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. પરંતુ, સિડની ટેસ્ટ પહેલા હેડને કોરોના સંક્રમણ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા ખાલી પડી અને ખ્વાજાનો સમાવેશ કરવામાં આવ્યો. આ રીતે, ખ્વાજા લગભગ અઢી વર્ષ પછી ટીમમાં પાછો ફર્યો. અગાઉ, તેણે ઓગસ્ટ 2019માં લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી.

અંતિમ ટેસ્ટમાં રમવાની આશા નહીં

શનિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રણ દિવસમાં તેની બીજી સદી ફટકાર્યા બાદ, ખ્વાજાએ ખુલ્લીને કહ્યું કે તે પોતાને હોબાર્ટ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં જોતો નથી, પરંતુ તે હજી પણ કોઈપણ તક માટે તૈયાર રહેશે. ખ્વાજાએ ચોથા દિવસની રમત બાદ કહ્યું,

“આ ક્ષણે, હું ધારી રહ્યો છું કે હું કદાચ (હોબાર્ટ ટેસ્ટમાં) બહાર થઈશ….હું અત્યારે આગામી ટેસ્ટમાં રમવા માટે ઉત્સુક નથી, પરંતુ હું હંમેશા તૈયાર રહીશ. શું ખબર કોઈને કોવિડ થાય છે કે પછી કંઈક બીજું થાય.

વધુ પરિવર્તનની અપેક્ષા રાખશો નહીં

ખ્વાજાના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયેલા હેડે શ્રેણીની શાનદાર શરૂઆત કરી અને બ્રિસ્બેનમાં પ્રથમ ટેસ્ટમાં 152 રન બનાવ્યા. આ પછી હેડે એડિલેડમાં પણ અડધી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં ખ્વાજા એ પણ માની રહ્યા છે કે આગામી ટેસ્ટમાં વધુ ફેરફારની અપેક્ષા નથી. ખ્વાજાએ કહ્યું, હેઈડી (ટ્રેવિસ હેડ)એ પ્રથમ ટેસ્ટમાં સુંદર બેટિંગ કરી હતી. જો ત્યાં વધુ ફેરફારો થશે તો મને ખૂબ જ આશ્ચર્ય થશે.

એક દાયકાની કારકિર્દી, માત્ર 45 ટેસ્ટ રમી

ખ્વાજાએ 2011માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીની એક દાયકા લાંબી કારકિર્દીમાં તે સતત ટીમની અંદર અને બહાર રહ્યો છે. આ દરમિયાન તે માત્ર 45 ટેસ્ટ જ રમી શક્યો છે, જેમાં તેણે 43.40ની એવરેજથી 3125 રન બનાવ્યા છે. જેમાં તેણે 10 સદીની સાથે 14 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, મહત્વનો બોલર નિર્ણાયક ટેસ્ટમાં ઇજાને લઇ રહેશે બહાર!

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન ટેસ્ટ માટે પ્લેયીંગ ઇલેવન પસંદગી સૌથી મોટી મુશ્કેલી, નિર્ણાયક મેચમાં કોણ રમશે ઉમેશ યાદવ કે ઇશાંત શર્મા ?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati