IND vs SA : અમ્પાયર ઘાયલ, કેમેરામેન પણ ઘાયલ, અમદાવાદમાં T20 મેચ દરમિયાન બનેલી ઘટનાના જુઓ વીડિયો

અમદાવાદમાં ભારત-દક્ષિણ આફ્રિકા T20 મેચમાં બે દુર્ઘટનાઓ સર્જાઈ. આક્રમક બેટિંગ દરમિયાન અમ્પાયર રોહન પંડિત અને એક કેમેરામેન ઘાયલ થયા.

IND vs SA : અમ્પાયર ઘાયલ, કેમેરામેન પણ ઘાયલ, અમદાવાદમાં T20 મેચ દરમિયાન બનેલી ઘટનાના જુઓ વીડિયો
| Updated on: Dec 20, 2025 | 9:12 AM

અમદાવાદમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી તથા અંતિમ ટી20 મેચ દરમિયાન મેદાન પર બે દુર્ઘટનાઓ સર્જાઈ, જેમાં એક અમ્પાયર અને એક કેમેરામેન ઘાયલ થયા. બંને ટીમોના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરતા અનેક ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા, જેના કારણે સ્ટેડિયમમાં ઉત્સાહનો માહોલ હતો. પરંતુ આ જ શક્તિશાળી શોટ્સ બે લોકો માટે ખતરનાક સાબિત થયા. સદનસીબે, બંને ઈજાઓ ગંભીર નહોતી અને સમયસર સારવારથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ.

મેચ દરમિયાન ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી અને શરૂઆતથી જ બેટ્સમેનોએ સંપૂર્ણ આક્રમક અભિગમ અપનાવ્યો હતો. ઇનિંગ્સની 9મી ઓવરમાં સંજુ સેમસને સ્પિનર ડોનોવન ફરેરાના બોલ પર જોરદાર શોટ ફટકાર્યો. ફરેરાએ બોલ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથ પર વાગ્યા બાદ સીધો અમ્પાયર રોહન પંડિતના જમણા ઘૂંટણ પર વાગ્યો. આ અથડામણ બાદ અમ્પાયર જમીન પર પડી ગયા અને પીડાથી ચીસો પાડી, જેને જોઈને મેદાન પર હાજર સૌ કોઈ એક ક્ષણ માટે ચિંતિત થઈ ગયા.

અમ્પાયરની સ્થિતિ જોતા જ દક્ષિણ આફ્રિકાની ટીમના ફિઝિયો તરત મેદાન પર દોડી આવ્યા અને ઘૂંટણની તપાસ શરૂ કરી. થોડા સમય બાદ ભારતીય ટીમના ફિઝિયોએ પણ અમ્પાયરનું નિરીક્ષણ કર્યું, જેના કારણે મેચ થોડીવાર માટે રોકાઈ ગઈ. શરૂઆતમાં એવું લાગતું હતું કે રોહન પંડિત અમ્પાયરિંગ ચાલુ રાખી શકશે નહીં, પરંતુ રાહતની વાત એ હતી કે ઈજા ગંભીર ન હતી. ‘મેજિક સ્પ્રે’ લગાવ્યા બાદ તેઓ ફરી ઉભા થયા અને અમ્પાયરિંગ ચાલુ રાખ્યું.

આ ઘટનાની થોડી જ મિનિટોમાં ફરી એક દુર્ઘટના સર્જાઈ. ભારતીય ઇનિંગ્સની 13મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ પહેલો જ બોલ જોરદાર રીતે ફટકાર્યો, જે લોંગ-ઓફ બાઉન્ડ્રી તરફ છ રન માટે જઈ રહ્યો હતો. જોકે, બાઉન્ડ્રી નજીક ઉભેલા કેમેરામેનના ડાબા હાથ પર બોલ જોરથી વાગ્યો, જેને કારણે સ્ટેડિયમમાં ફરી એકવાર ચિંતા ફેલાઈ ગઈ.

કેમેરામેને હિંમત દાખવી અને પોતાની પીડા છુપાવવાનો પ્રયાસ કર્યો. ભારતીય ટીમના મેડિકલ સ્ટાફે તરત જ તેને આઈસ પેક લગાવી પ્રાથમિક સારવાર આપી. ભારતીય ઇનિંગ્સ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યા કેમેરામેનને મળવા ગયો, તેને ગળે લગાવ્યો અને પોતાના શોટ માટે માફી માંગી. આ દ્રશ્યને દર્શકોએ ખેલભાવના અને માનવિયતા તરીકે જોયું.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર લટકતી તલવાર! જાણવા માટે અહીં ક્લિક કરો..

Published On - 9:10 am, Sat, 20 December 25