હાલમાં જ ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 ટીમની કમાન સોંપીને બધાને ચોંકાવી દીધા હતા. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક એ હતું કે BCCIએ શુભમન ગિલને T20 અને ODI બંને ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો. પરંતુ હવે આવા જ બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને ચાહકો ચોંકી જશે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય પસંદગીકારોએ ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનને પણ બદલવાનો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, શુભમન ગિલ ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનવા જઈ રહ્યો છે. મોટી વાત એ છે કે તે જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે, જે આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હતો. બુમરાહ 2022માં ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન પણ બન્યો હતો, પરંતુ હવે તેને વાઈસ કેપ્ટનના પદ પરથી પણ હટાવી દેવમાં આવશે એવું લાગી રહ્યું છે.
એવા અહેવાલો છે કે શુભમન ગિલ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હશે. સવાલ એ છે કે શું જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ સિરીઝમાં નહીં રમે? કારણ કે જો બુમરાહ રમે છે અને તેમ છતાં ગિલ વાઈસ કેપ્ટન રહેશે તો તે તેના માટે મોટો ફટકો હશે. રસપ્રદ વાત એ છે કે બુમરાહે એક ઈન્ટરવ્યુમાં પોતાને સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કોને શ્રેષ્ઠ કેપ્ટન માને છે તો તેણે પોતાનું નામ લીધું હતું. સાથે જ બુમરાહે કહ્યું હતું કે ફાસ્ટ બોલર પણ કેપ્ટન બની શકે છે, ફાસ્ટ બોલરો પણ મેચને સારી રીતે સમજે છે. પરંતુ ટીમ ઈન્ડિયાના પસંદગીકારો કંઈક અલગ જ માને છે.
જો શુભમન ગિલને ODI અને T20 પછી ટેસ્ટની વાઈસ-કેપ્ટન્સી આપવામાં આવે છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે ટીમ ઈન્ડિયા તેને ત્રણેય ફોર્મેટમાં ભાવિ કેપ્ટન તરીકે માની રહી છે. પસંદગીકારોના નિર્ણય ચોક્કસપણે આની પુષ્ટિ કરી રહ્યા છે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 7:45 pm, Fri, 26 July 24