Breaking News : એશિયન ગેમ્સ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં, મેડલ નિશ્ચિત
ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને એકતરફી રીતે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે અને પોતાનો મેડલ નિશ્ચિત કરી લીધો છે. ભારતની પુરૂષ ક્રિકેટ ટીમ હવે એશિયન ગેમ્સમાંથી ઓછામાં ઓછા સિલ્વર મેડલ સાથે પરત ફરશે.
ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને નવ વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયા (Team India) એ પણ પોતાનો મેડલ નિશ્ચિત કરી લીધો છે. સ્પિનરોના તરખાટ બાદ ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્મા (Tilak Varma) ની શાનદાર ઈનિંગે ભારતને જીત અપાવી હતી.
સ્પિનરોએ આઠ વિકેટ ઝડપી
ભારતીય બોલરોએ બાંગ્લાદેશના બેટ્સમેનોને પિચ પર ટકવા દીધા જ નહીં અને તેમને 20 ઓવરમાં નવ વિકેટના નુકસાન પર માત્ર 96 રન બનાવવા દીધા હતા. ટીમના માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. ભારતીય સ્પિનરોએ મેચમાં કુલ આઠ વિકેટ ઝડપી હતી, જેમાં સાઈ કિશોરે ત્રણ, સુંદરે બે તથા અર્શદીપ, તિલક, રવિ બિશ્નોઈ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી હતી.
A formidable 9️⃣-wicket win over Bangladesh and #TeamIndia are through to the #AsianGames Final!
Scorecard ▶️ https://t.co/75NYqhTEac#IndiaAtAG22 pic.twitter.com/SsRVenSNmu
— BCCI (@BCCI) October 6, 2023
તિલક વર્માની દમદાર ફિફ્ટી
ટીમ ઈન્ડિયાને મેચ જીતવા 97 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ભારતે આ આસાન લક્ષ્યાંક 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. તિલકે 26 બોલમાં બે ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 55 રનની અણનમ ઈનિંગ રમી હતી.
યશસ્વી જયસ્વાલ શૂન્ય પર આઉટ થયો
ભારતને 97 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો પરંતુ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત મળી ન હતી. છેલ્લી મેચમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ પ્રથમ ઓવરના ચોથા બોલ પર શૂન્ય પર આઉટ થયો હતો. રિપન મંડલે તેને મૃત્યુંજય ચૌધરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
આ પણ વાંચો : World Cup Breaking : ભારતને મોટો ઝટકો, શુભમન ડેન્ગ્યુની ઝપેટમાં, પહેલી મેચમાં રમવું અનિશ્ચિત
ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન ઈનિંગ
યશસ્વી જયસ્વાલની જલ્દી વિકેટ પડ્યા બાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ મજબૂત ભાગીદારી કરી હતી. ઋતુરાજ ગાયકવાડે 26 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા હતા અને તિલક વર્મા સાથે વિજયી પાર્ટનરશિપ કરી ટીમને જીત તરફ દોરી ગયા હતા અને મેડલ નિશ્ચિત કર્યો હતો.