ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું 46 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું 46 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ
Andrew Symonds dies
Image Credit source: ACB

ઓસ્ટ્રેલિયાના 46 વર્ષીય અનુભવી ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ અને 198 વનડે રમી હતી

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 15, 2022 | 7:14 AM

ઓસ્ટ્રેલિયાના (Australia) પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું (Andrew Symonds) કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. 46 વર્ષીય સાયમન્ડ્સની કાર ક્વીન્સલેન્ડના (Queensland) ટાઉન્સવિલે નજીક અકસ્માતનો ભોગ બની હતી. ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે સાયમન્ડ્સની કારનો અકસ્માત શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે થયો હતો. સાયમન્ડ્સ પોતે કાર ચલાવી રહ્યા હતા. અચાનક તેની કાર રોડ પરથી ઉતરી ગઈ અને પલટી ખાઈ ગઈ. ઘટનાસ્થળે પહોંચેલી ઇમરજન્સી સેવાઓએ સાયમન્ડ્સને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ પામ્યો હતો. ફોરેન્સિક ક્રેશ યુનિટ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.

એન્ડ્રુ સાયમન્ડ્સ 1999 થી 2007 સુધી વિશ્વ ક્રિકેટમાં પ્રભુત્વ ધરાવતી ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો ભાગ હતો. આવી સ્થિતિમાં તેમનું નિધન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે મોટી ખોટ છે. ઘણા ખેલાડીઓ કે જેઓ તેમની ટીમના સાથી હતા તેમણે સાયમન્ડ્સના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમના સાથીનાં આકસ્મિક મૃત્યુના સમાચાર પર પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે લખ્યું, ‘આ ખરેખર દુઃખદાયક છે.’

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે આઘાતજનક વર્ષ

ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના ક્રિકેટ ચાહકો સાયમન્ડ્સના અવસાનથી અસ્વસ્થ છે. રોડ માર્શ અને શેન વોર્ન જેવા દિગ્ગજ દિગ્ગજો આ વર્ષે દુનિયા છોડી ગયા પછી આ વર્ષે જ સાયમન્ડ્સનું નિધન થવુ ખૂબ જ દુઃખદાયક છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માર્ક ટેલરે કહ્યું કે, ‘ક્રિકેટ માટે આ બીજો દુઃખદ દિવસ છે. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરે ટ્વીટ કર્યું કે મેદાનની અંદર અને મેદાનની બહાર પણ અમારો સારો સંબંધ છે.

સાયમન્ડ્સ-હરભજનસિંહ વચ્ચે થયો હતો મંકીગેટ વિવાદ

2008માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે દાવો કર્યો હતો કે ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહે તેને વાનર (મંકી) કહ્યો હતો. આ મામલાની સુનાવણી બાદ ભારતીય ઓફ સ્પિનરને ક્લીનચીટ આપવામાં આવી હતી. આ વિવાદને ‘મંકીગેટ’ કહેવામાં આવે છે.

સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે મે 2009માં તેની છેલ્લી મેચ રમી હતી. એક મહિના પછી, તેને વર્લ્ડ T20 માંથી ઘરે મોકલવામાં આવ્યો અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમના દારુ પીવાના અને અન્ય મુદ્દાઓ પર ઘણા નિયમો તોડવા બદલ તેનો કરાર સમાપ્ત કર્યો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati