ગુજરાતમાં 26 લોકસભા સીટો માટે કોંગ્રેસની કવાયત શરુ થઇ ગઇ છે,દિલ્હીમાં મળેલી બેઠકના પડધા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. જે રીતે સમાચાર મળ્યા છે તે પ્રમાણે 26 પૈકી 22 સીટો ઉપર સર્વ સમંતિ સધાઇ ગઇ છે, પણ ચાર સીટો એવી છે જેને લઇને પાર્ટી હજુ સુધી કોઇ નિર્ણય ઉપર પહોંચી નથી. આમ તો આ વખતે ટિકિટ આપવા માટે અનેક નિયમો બનાવ્યા હોવાની માહિતી મળી છે પણ કેટલાંક કિસ્સામાં કોગ્રેસ હવે છુટછાટ પણ આપવાની તૈયારી રાખી રહી છે. ત્યારે લાગી રહ્યુ છે મહત્તમ સાતથી દસ દિવસમાં કોગ્રેસ પાતોના તમામ ઉમેદવારો જાહેર કરે તેવી આશંકા સેવાઈ રહી છે.
કોગ્રેસ એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીની હાજરીમાં કોંગ્રેસ વર્કીગ કમિટીની બેઠક અને સભા કરવાનુ આયોજન કરી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરુ કરી દેવાઇ છે. કોંગ્રેસે 26 સીટો ઉપર ઉમેદવારોને લઇને ચર્ચા કરી હતી. માનવામાં આવે છે કે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીમાં પણ તમામ 26 નામો ઉપર વિચાર કરી લેવાયા છે. ઉમેદવારોના પેનલમાંથી અનેક એવા વિસ્તારો રહ્યા જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવારોની અછત પણ છે, તો કેટલાક સીટો એવી પણ છે કે ત્યાં ઉમેદવારોની ભરમાર છે, કેટલાક વિસ્તારોમાં તો એકથી વધુ દિગ્ગજો છે,તેવી સીટો ઉપર પાર્ટીને અવઢવ જેવો માહોલ સર્જાયો છે. જેથી પાર્ટી હવે સીધી રીતે કોઇ પણ પ્રકારનો મનદુખ કોઇ દિગ્ગજ નેતાઓને ન થાય તે માટે રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા વિચારણા કરશે. આમ આ મતભેદોને શરુઆતના તબક્કામા જ નિવારી શકાય, હજુ પણ બેથી વધુ વખત સ્ક્રીનિગ કમિટીની બેઠક મળ્યા બાદ કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીને નામોની યાદી સોપી દેવામા આવશે. આ બાદ કોંગ્રેસના સિનિયર નેતાઓ માને છે કે જલ્દી જ તમામ વિવાદનો નિવેડો આવી જશે.
કોંગ્રેસે જે રીતે યુપી બિહાર અને દિલ્હીમાં એકલા હાથે ઇલેક્શન લડવાની વાત કહી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ 26 સીટો માટે તૈયાર છે તેવો સંદેશો સહયોગી પાર્ટીઓને આપ્યા છે. ગુજરાતમાં કોગ્રેસ એનસીપી કે પછી ભારતિય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે અથવા તો કોઇ અપક્ષ ઉમેદવારને સહયોગ કરી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે,ત્યારે કોગ્રેસે 26 સીટ ઉપર ઉમેદવાર અંગેના વિચારને કોઇના પણ દબાણને વશ નહી થાય તેવા સંકેતો આપ્યા છે.
કોંગ્રસ પાર્ટીના મોવડી મંડળે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે આ વખતે પાર્ટીની ટિકિટ મેળવવી સરળ નહી હોય કારણ કે પાર્ટીએ સંકેતો આપ્યા છે કે આ વખતે કોઇ ધારાસભ્યને ટીકીટ નહી અપાય તો બેથી વધુ વખત હારેલા ઉમેદવારોને ટીકીટ નહી આપવાનો નિર્યણ કરાયો છે. તે સિવાય પાર્ટી બહારથી આવેલા લોકોને પણ ટિકિટ નહી આપવાનું નક્કી કરાયું છે, તો પાર્ટીમાં સક્રીય હોય તેવાને જ ટીકીટ આપવાની વાત કરાઇ છે. ભલે જીતાઉ ઉમેદવાર હોય પણ પાર્ટી વિરુદ્ધ ગતિવિધિઓ કરતાં હશે તો પણ તેમને ટિકિટ નહી અપાય તેવા નિયમો બનાવવામાં આવ્યા છે.
બનાસકાંઠા, પાટણ, જુનાગઢ અને અમરેલી જેવી સીટો ઉપર પાર્ટીને સૌથી વધુ ઉમેદવારો મળ્યા છે. જ્યારે ગાંધીનગર , અમદાવાદ પુર્વ , વલસાડ, સુરત,અને બરોડા જેવી સીટો ઉપર પાર્ટીને અપેક્ષાકૃત ઓછા ઉમેદવારો મળ્યા છે. પાર્ટી આગામી દિવસોમા એ સીટો ઉપર જ પુનઃ વિચાર કરશે. તેના માટે ફરીથી બેઠક થશે, ત્યારે પાર્ટીની કવાયત એ રીતે જ ચાલી રહી છે કે કોઇ પણ પ્રકારના વિવાદને છેડ્યા વગર અથવા કોઇ પણ મોટા નેતાઓને મન દુખ ન થાય તે બાબતનું ધ્યાન રાખવામા આવશે.
હાલ પાટણની સીટ એવી છે કે જ્યાંથી કોગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર એમ બન્ને નેતાઓએ દાવો કર્યો છે. ત્યારે પાર્ટીના સિનિયર નેતાઓ માને છે કે જે રીતે અર્જુન મોઢવાડીયા સહિતના વરિષ્ઠ નેતાઓની નારાજગી સામે આવી હતી તેને જોતા પાર્ટી હવે એવો કોમ્બિનેશન કરશે જેથી બન્ને પ્રકારના નેતાઓ સચવાઇ જાય. એટલે કે જો વરિષ્ઠ નેતાઓને સીધી રીતે ટીકીટ નહી મળે તો તેમની ભલામણો ઉપર પાર્ટી અવશ્ય ધ્યાન આપશે. તેના લીધે યુવા નેતાઓને પણ એવું નહી થાય કે તેમની અવગણના થઇ રહી છે. વધુમાં સંજોગોમાં પાર્ટી અનેક સમીકરણો અને ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમા રાખશે.
કોંગ્રેસમાંથી હાર્દીક પટેલ ઇલેક્શન લડશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે સાથે કચ્છમાંથી જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સહયોગથી અપક્ષમાં ઇલેક્શન લડે તો કેવી પરિસ્થિતિ ઉભી થાય તેને લઇને પાર્ટીમાં મથામણ પણ ચાલી રહી છે. કોંગ્રેસ પાસે હાર્દિકે પણ સલામત સીટની માંગ કરી છે અને માનવામા આવે છે કે તે અમરેલીથી ઇલેક્શન લડે તો જીતી શકે. ત્યારે કોંગ્રેસનું એક જુથ એમ પણ માને છે કે હાર્દિક અને જીગ્નેશ બન્નેને કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ઇલેક્શન લડાવવામાં આવે. કેટલાક નેતાઓ માને છે કે અપક્ષમાં લડવાથી કોંંગ્રેસના મતો આ બન્ને ઉમેદવારોને નહી મળી શકે. ,બન્નેને પાર્ટીના સિમ્બોલ ઉપર જ ઇલેક્શન લડાવવું જોઇએ, તો જ સફળતા મળશે.
આમ કોંગ્રેસ હવે 12 તારીખે યોજાનારી વર્કીંગ કમિટીની બેઠક બાદ જલ્દી જ ઉમેદવારોને ફાઇનલ કરવા તરફ આગળ વધી રહી છે પણ તેને ખ્યાલ છે કે આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં તેને શુન્યમાથી સર્જન કરવાનો મોટો પડકાર યથાવત છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:51 pm, Wed, 6 March 19