Dr.Shyama Prasad Mukherjee : ભારતીય રાષ્ટ્રવાદના મશાલ ધારક ડો.શ્યામાપ્રસાદ મુખરજી

આજે 23 જૂન, Dr.Shyama Prasad Mukherjee ની પુણ્યતિથિ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ, ડો.શ્યામાપ્રસાદ મુખરજીના કાર્યોનુ સ્મરણ કરતા મંતવ્ય વ્યક્ત કર્યુ છે કે, તેમની વિચારધારા અને તેમના સંઘર્ષોએ ભારતીય રાજનીતિ પર અમીટ છાપ છોડી છે.

  • Updated On - 12:01 pm, Wed, 23 June 21 Edited By: Bipin Prajapati
Dr.Shyama Prasad Mukherjee : ભારતીય રાષ્ટ્રવાદના મશાલ ધારક ડો.શ્યામાપ્રસાદ મુખરજી
FILE PHOTO

( લેખક : જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી. આ લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચારો છે.)

Dr.Shyama Prasad Mukherjee : આઝાદી પછી જો એક નામ મનમાં આવે જેમણે રાષ્ટ્રવાદના વિચારને પ્રોત્સાહન આપ્યું છે, જે રાષ્ટ્રીય એકતા માટે દૃઢ હતા, જેમણે દેશમાં એક મજબૂત રાજકીય વિકલ્પનું બીજ વાવ્યું, તે બીજા કોઈ નહીં પણ શ્યામાપ્રસાદ મુખરજી છે. જો કે મુખરજી આઝાદી પછી લાંબું જીવી શક્યા ન હતા, પરંતુ તેમની વિચારધારા અને તેમના સંઘર્ષોએ ભારતીય રાજનીતિ પર અમીટ છાપ છોડી છે.

 

આઝાદી પછી મહત્વપૂર્ણ અને અગ્રેસરની ભૂમિકા
ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ જમ્મુ-કાશ્મીરની સમસ્યાને સમજ્યા હતા અને તેના સંપૂર્ણ નિરાકરણની માંગણી સાથે બળપૂર્વક અવાજ ઉઠાવ્યો હતો. બંગાળના ભાગલા વખતે ભારતના હક્કો અને હિતો માટે સફળતાપૂર્વક લડનારા તેઓ જ હતા. કોંગ્રેસ દ્વારા ભારતીયો પર આયાતી વિચારધારાઓ અને સિદ્ધાંતો લાદવાના વિરોધમાં આઝાદી પછીના યુગમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ મહત્વપૂર્ણ અને અગ્રેસરની ભૂમિકા ભજવી હતી. દરેક ભારતીય માટે સૌથી યોગ્ય અને ટકાઉ જીવનશૈલી તરીકે ‘ભારત, ભારતીય અને ભારતીયતા’ ની રાજકીય અને સામાજિક વિચારધારાને સ્થાપિત કરવી અને તેણે પ્રોત્સાહન આપવું એ તેમનો મુખ્ય ધ્યેય હતો.

નેહરુ કેબીનેટમાંથી રાજીનામું આપ્યું
ડો.શ્યામાપ્રસાદ મુખરજી (Dr.Shyama Prasad Mukherjee) આઝાદી પછીની નહેરુ સરકારમાં ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન બન્યા હતા. તેઓ સરકારમાં જોડાયા તેમ છતાં પણ કોંગ્રેસ દ્વારા નહેરુ-લિયાકત સંધિમાં હિન્દુઓના હિતોની સંપૂર્ણ અવગણના કરવા બદલ તેમણે રાજીનામું આપ્યું. તેમનું રાજીનામું એ તેમની વૈચારિક ચેતનાનું ચમકતું ઉદાહરણ છે. ડો.મુખરજીએ તેમની વૈચારિક પ્રતિબદ્ધતાઓ અંગે ક્યારેય સમાધાન કર્યુ નહીં. નહેરુ કેબિનેટમાંથી રાજીનામું આપવું એ દેશમાં રાજકીય વિકલ્પના ઉદભવને સમર્થન આપતું હતું.

ડો.શ્યામા પ્રસાદ મુખરજી દ્વારા જનસંઘની રચના
તે એક જાણીતું તથ્ય છે કે રાજકીય નેતાઓ અને જુદી જુદી વિચારધારામાં માનનારા લોકો ભારતની આઝાદીની લડત માટે કોંગ્રેસની છત્રછાયા હેઠળ આવ્યા હતા. પરંતુ આઝાદી પછી, કોંગ્રેસનો એક વિકલ્પ શોધવાની ચર્ચા શરૂ થઈ જે રાજકીય શૂન્યતાને ભરી શકે. ભારત આતુરતાપૂર્વક એક રાજકીય વિચારધારની શોધમાં હતો, જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ દ્વારા રાષ્ટ્રીય એકીકરણ કરે અને તુષ્ટિકરણના રાજકારણનો પણ સામનો કરી શકે છે. ડો.શ્યામાપ્રસાદ મુખરજી જ હતા, જે દેશમાં આ ચર્ચાના ધ્વજવાહક તરીકે ઉભરી આવ્યા અને આખરે જનસંઘની રચના થઈ.

તેમના પ્રયત્નોને કારણે 21 ઓક્ટોબર 1951 ના રોજ જનસંઘની સ્થાપના થઈ. રાજકીય પક્ષના બીજ વાવવામાં આવ્યા હતા, જેમાં રાષ્ટ્રવાદ અને ભારતીયતાના સ્વાભાવિક ગુણો હતા. છેલ્લા ઘણા દાયકાઓમાં અમે ઘણા મહત્વપૂર્ણ લક્ષ્યોને પાર કરી ચૂક્યા છીએ, ઘણી લડાઇ લડ્યા છીએ અને અમે આજે જ્યાં છીએ ત્યાં પહોંચવા માટે અનેક ઉથલ-પાથલથી બચ્યા છીએ.

કલકત્તા બેઠક જીતી લોકસભામાં વિપક્ષના નેતા બન્યાં
જનસંઘ 1951-52 ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો. ડો.શ્યામાપ્રસાદ મુખરજી (Dr.Shyama Prasad Mukherjee) એ સંસદ સુધી પહોંચવા માટે કલકત્તા બેઠક જીતી હતી. તેમની વિચારધારાની સ્પષ્ટતા, તેમની વિચારધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેમની દીર્ઘદ્રષ્ટિથી આશ્વસ્ત થઇને વિરોધી પક્ષો તેમને લોકસભામાં વિપક્ષ નેતા તરીકે પસંદ કરવા માટે એકઠા થયા હતા. વિપક્ષી નેતા તરીકે ડો.મુખરજી બળપૂર્વક લોકોની સમસ્યાઓ ઉઠાવી અને વિપક્ષના સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા.

જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦, પરમિટ સિસ્ટમનો વિરોધ કર્યો
ડો.શ્યામાપ્રસાદ મુખરજી હંમેશા જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦ અને પરમિટ સિસ્ટમને ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વમાં મોટો અવરોધ માનતા હતા. આ માટે તેમણે અનેક પ્રસંગો પર સંસદમાં પોતાનો અવાજ ઉઠાવ્યો. 26 જૂન 1952 ના રોજ ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ જમ્મુ કાશ્મીર પરની ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે લોકશાહી અને સંઘીય ભારતમાં રાજ્યના નાગરિકોના અધિકારો અને સગવડ કેવી રીતે અન્ય કોઈ રાજ્ય કરતા અલગ હોઈ શકે છે અને તે ભારતની અખંડિતતા અને એકતા માટે નુકસાનકારક છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ માટેની પરમિટ સિસ્ટમનો સખ્ત વિરોધ કર્યો હતો.

ડો.શ્યામા પ્રસાદ મુખરજીનું રહસ્યમય સંજોગોમાં અવસાન
જમ્મુમાં પ્રવેશ કરતી વખતે ડો.શ્યામાપ્રસાદ મુખરજીની ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે ભારતભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયા અને ઘણા લોકોની ધરપકડ થઈ હતી. તેમની ધરપકડના 40 દિવસ બાદ 23 જૂન 1953 ના રોજ જમ્મુની સરકારી હોસ્પિટલમાં ભારતમાતાના મહાન પુત્ર ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું. તેમની શહીદીએ ઘણા અનુત્તરિત પ્રશ્નોને જન્મ આપ્યો, પરંતુ તત્કાલીન નહેરુ સરકારે આ બધી બાબતો પ્રત્યે આંખો મીચી લીધી. મુખરજીની માતા યોગમાયા દેવીએ પંડિત જવાહરલાલ નહેરુને પત્ર લખીને તેમના પુત્રના રહસ્યમય મોતની તપાસની માગ કરી હતી. પરંતુ આ વિનંતી પણ નકારી કાઢવામાં આવી હતી. આજદિન સુધી ડો.શ્યામાપ્રસાદ મુખરજીની ધરપકડ અને મૃત્યુને લગતા તમામ રહસ્યો વણઉકેલાયેલા છે.

એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે
ડો. મુખરજી કહેતા હતા કે, ‘એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે’. આ સૂત્ર પ્રથમ જનસંઘ અને પછીથી ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ અને માર્ગદર્શક સિદ્ધાંત બની ગયું. ઘણા દાયકાઓથી ડો.મુખરજીનું આ સપનું – ‘એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે’ – એ ભારતના લોકોના મનમાં હંમેશા અંકિત થયેલું રહેશે.

તે એક વૈચારિક યુદ્ધ હતું. એક તરફ કોંગ્રેસ સહિતના પક્ષો હતા જે હંમેશાં તુષ્ટિકરણનું રાજકારણ કરતા હતા અને બીજી બાજુ ભાજપ હતી જેણે કલમ 37૦ નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો હતો. જનસંઘનો યુગ હોય કે ભાજપની રાજકીય યાત્રા, અમારી વિચારધારા, સંયુક્ત અને મજબુત ભારત જોવાની અમારી કટિબદ્ધતામાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ની નાબુદી
તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબુત ઇચ્છાશક્તિ અને સમર્પણ હતું અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની કુશળ વ્યૂહરચના અને આયોજન હતું કે ઓગસ્ટ 2019 માં ભારત કલમ 37૦ કાયમ માટે રદ કરવામાં સફળ રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક વિધાન, એક પ્રધાન અને એક નિશાન’ હેઠળ ભારતને જોવાનું ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું સર્વોચ્ચ બલિદાન નિરર્થક ન રહ્યું કારણ કે અમે કલમ 37૦ ને દૂર કરી ભારત સાથે જમ્મુ-કાશ્મીરને સાચી રીતે એકીકૃત કરી ભારતને એક મજબૂત અને સંયુક્ત રાષ્ટ્ર તરીકે જોવાના તેમના સપનાને સાકાર કરવામાં સફળ થયા. ડો.શ્યામાપ્રસાદ મુખરજીને હંમેશાં ‘ભારતમાતા’ ના સાચા પુત્ર તરીકે યાદ કરવામાં આવશે, જેમણે એક રાજકીય એકમ બનાવ્યું જે તેની વિચારધારા માટે ખરેખર પ્રતિબદ્ધ હતું. જેમણે સંયુક્ત અને મજબૂત ભારત જોવા માટે અથાક પરિશ્રમ કર્યો અને તેમના ઉમદા હેતુ માટે શહાદત વહોરી. હું ભારત ભૂમિના મહાન પુત્રને મારી સમૃદ્ધ શ્રદ્ધાંજલિ આપું છું.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati