
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં BMCમાં ઐતિહાસિક વિજય નોંધાવીને ભાજપે બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ભાજપે 227 માંથી 96 બેઠક પર જીત મેળવી છે, જ્યારે એકનાથ શિંદે જૂથે 30 બેઠકો જીતી હતી, જેનાથી મહાયુતિ (મહાગઠબંધન) માટે બીએમસીની ખુરશી સુરક્ષિત થઈ ગઈ છે. ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે તેવા સમયે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જીતને વડા પ્રધાન મોદીના વિકાસ એજન્ડા અને વિઝનનું પરિણામ ગણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ગઈકાલ 15મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. BMC ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યો છે. BMCની 227 બેઠકોમાંથી, ભાજપે પોતાના દમ પર 96 બેઠકો જીતી છે, જ્યારે શિંદે જૂથે 30 બેઠકો જીતી છે. આ રીતે, ભાજપ ઘણા દાયકાઓ પછી BMCમાં સત્તા કબજે કરવા માટે તૈયાર છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે BMC અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં જીત પર પ્રતિક્રિયા આપી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે મહાયુતિ BMC ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પીએમ મોદીના નામ અને કાર્યનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પીએમના વિકાસ એજન્ડાને આગળ ધપાવવામાં આવશે. આ પીએમ મોદીના વિઝનનો વિજય છે. મહારાષ્ટ્રને મોદીમાં વિશ્વાસ હતો. અમને બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદ છે. લોકો ફક્ત વિકાસ ઇચ્છે છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં મોટાભાગની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી, ભાજપે મુંબઈ વિજયોત્સવનું આયોજન કર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકઠા થયેલા કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ પણ હાજર હતા. ફડણવીસે કહ્યું કે, ચૂંટણી જીતવા માટે દિવસ રાત મહેનત કરનારા ભાજપના કાર્યકરોને મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાઓની જીત સમર્પિત છે. વધુમાં તેમણે વિજેતા ઉમેદવારને તેમની જવાબદારી મુજબ કામ કરવા કહ્યું. ભ્રષ્ટાચાર ન કરીને લોકોની સેવા કરવા ટકોર કરી હતી. મહારાષ્ટ્રના મહા વિજય બાદ આપણા પર જવાબદારી વધી ગઈ છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહીત કુલ 29 મહાનાગરપાલિકાની યોજાયેલ ચૂંટણીના પરિણામ આજે 16 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થઈ રહ્યાં છે. આ અંગેના તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.