
શ્રી વિનીતે વધુમાં જણાવ્યું કે, સુરત સ્ટેશન પર પુનઃવિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સ્ટેશન બિલ્ડીંગ વિસ્તારની પૂર્વ બાજુએ, આરપીએફ બેરેક, હોસ્પિટલ અને રનિંગ રૂમનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં ભીડનું વધુ સારું સંચાલન કરવા માટે બિલ્ડિંગની પશ્ચિમ બાજુએ એક નવો પેસેન્જર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. ઈલેક્ટ્રીકલ ઈન્ટરલોકીંગ (EI) બિલ્ડીંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને ફીડર લાઈન ખસેડવામાં આવી છે. GSRTC બિલ્ડિંગના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં 50% થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. રેલ્વે સ્ટેશનની પૂર્વ બાજુનું કામ પ્રગતિમાં છે, જેમાં રાફ્ટ ફાઉન્ડેશનનું કામ 100% પૂર્ણ થયું છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનના કોનકોર્સ અને પશ્ચિમ ભાગનું કામ પણ ચાલી રહ્યું છે.

ફેઝ-2માં 5.5 કિમી લાંબા એલિવેટેડ રોડ નેટવર્ક પર કામ ચાલુ છે. જેમાં 2 રોડ ઓવર બ્રિજ (ROBs) હશે. આ એલિવેટેડ રોડ નેટવર્ક પ્રોજેક્ટ હેઠળની તમામ મોટી ઇમારતોને જોડશે, જેના પર આશરે રૂપિયા 497 કરોડનો ખર્ચ થવાની ધારણા છે અને તે આગામી 2.5 વર્ષમાં કાર્ય પૂર્ણ થવાની ધારણા છે.

સુરત રેલ્વે સ્ટેશન રિનોવેશન પછી એક આધુનિક, પેસેન્જર-કેન્દ્રિત સુવિધા તરીકે ઉભરી આવશે, જે શહેરની ઝડપથી વધતી વસ્તીની જરૂરિયાતોને પૂરી કરશે. આ ફેરફાર સુરતને મુખ્ય પેસેન્જર અને કોમર્શિયલ હબ તરીકે સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ “નવા ભારતનું નવું સ્ટેશન” બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.