
હવામાન વિભાગના INSAT-3DS સેટેલાઇટે રાજસ્થાનથી લઈને મધ્ય ભારત થઈને તેલંગાણા સુધી ફેલાયેલી 1600 કિલોમીટર લાંબી એક વિશાળ થંડરસ્ટોર્મ (વાવાઝોડાની) બેલ્ટ નોંધી છે, જે આખા દેશને ધમરોળવા સક્ષમ છે.

બંગાળની ખાડી, અરબી સમુદ્ર, રાજસ્થાન અને ગંગાના મેદાની વિસ્તારોમાં એકસાથે 5 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આખું વાતાવરણ અત્યંત અસ્થિર બન્યું છે.

દેશના લગભગ 70 થી 80 ટકા હિસ્સામાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ ઉગ્ર બની છે. IMD એ મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારો સુધીના 17 રાજ્યોને હાઈ-એલર્ટ પર રાખ્યા છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અને રસ્તાઓ બંધ થવાની આશંકાને કારણે ચારધામ યાત્રાને કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવી છે.

દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં 2 જૂને અચાનક હવામાન પલટાશે. 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની આશંકા છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં 65 થી 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બિહારમાં વીજળી પડવાની કડક ચેતવણી સાથે લોકોને ખુલ્લા મેદાનો અને વૃક્ષો નીચે ન ઊભા રહેવા જણાવાયું છે.

ઝારખંડમાં 2 અને 3 જૂને 70 થી 75 કિમીની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ છે.

ભીષણ ગરમીનો સામનો કરી રહેલા રાજસ્થાનના જોધપુર, જેસલમેર અને બાડમેર જેવા વિસ્તારોમાં 55 થી 60 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો ગગડશે જ્યારે પંજાબ અને હરિયાણામાં હવામાન યુ-ટર્ન લેશે. પંજાબના કેટલાક વિસ્તારોમાં 70 થી 75 કિમીની ઝડપે ભારે આંધી સાથે કરા પડવાની શક્યતા છે.

આસામ અને મેઘાલયમાં 80 કિમીની ઝડપે પવન વૃક્ષો ધરાશાયી કરી શકે છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં તાપમાન ગગડીને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને દક્ષિણ ભારતના દરિયામાં કરંટ હોવાથી માછીમારોને ચેતવણી અપાઈ છે.