
વૈભવ સૂર્યવંશી પાસે આજે એટલે કે રવિવારના રોજ (17-05-2026) વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. તે એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બનવાની ઉંબરે ઊભો છે, હાલમાં આ રેકોર્ડ અભિષેક શર્માના નામે છે. આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મેચ છે.

રાજસ્થાન રોયલ્સના પ્લેઓફમાં જવાના ચાન્સ વધારે અને દિલ્હી કેપિટલ્સના ઓછા છે. જો આજે RR જીતશે તો DC સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે, અત્યારે પણ તેમના ચાન્સ માત્ર 4-5 ટકા જ છે. વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે જ IPLમાં ડેબ્યૂ કર્યું છે અને હવે આ 15 વર્ષીય ખેલાડીથી સારા-સારા બોલરો પણ ડરવા લાગ્યા છે. તે પ્રથમ બોલથી જ એટેકિંગ રમે છે અને હવાઈ ફાયરિંગ (સિગ્સર ફટકારવા) થી બિલકુલ અચકાતો નથી.

આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય અત્યારે અભિષેક શર્મા છે, જેણે વર્ષ 2024માં કુલ 42 સિક્સર ફટકારી હતી. વૈભવ તેના આ મોટા રેકોર્ડને તોડવાની ખૂબ જ નજીક છે. વૈભવ IPL 2026માં 40 સિક્સર ફટકારી ચૂક્યો છે અને વધુ 3 સિક્સર લગાવીને અભિષેકનો આ રેકોર્ડ તોડી નાખશે.

પોતાની બીજી સીઝન રમી રહેલો વૈભવ IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે, તેણે ગયા વર્ષે માત્ર 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. ઓવરઓલ જોઈએ તો, એક IPL સીઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેણે વર્ષ 2012માં કુલ 59 સિક્સર ફટકારી હતી. જો રાજસ્થાન ફાઇનલ સુધી જશે તો વૈભવ તેના આ રેકોર્ડને તોડવાની નજીક પહોંચી શકે છે અથવા તોડી પણ શકે છે. આના માટે તેણે હજુ પણ 20 સિક્સર ફટકારવી પડશે, જે મુશ્કેલ તો છે પરંતુ અશક્ય નથી.

આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેનોની યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ક્રિસ ગેલ ટોચ પર છે, જેણે વર્ષ 2012માં 59 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના આન્દ્રે રસેલે વર્ષ 2019માં 52 સિક્સર ફટકારી હતી, જ્યારે ક્રિસ ગેલે વર્ષ 2013માં આરસીબી માટે જ ફરીથી રમતા 51 સિક્સર મારી હતી. આ લિસ્ટમાં આગળ રાજસ્થાન રોયલ્સ (RR) ના જોસ બટલરનું નામ આવે છે જેમણે વર્ષ 2022માં 45 સિક્સર ફટકારી હતી, અને ત્યારબાદ ક્રિસ ગેલે વર્ષ 2011માં આરસીબી તરફથી 44 સિક્સર ફટકારી હતી. યાદીમાં છેલ્લું નામ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના અભિષેક શર્માનું છે, જેણે વર્ષ 2024ની સીઝનમાં 42 સિક્સર પોતાના નામે કરી હતી.
Published On - 5:25 pm, Sun, 17 May 26