
અહેવાલો અનુસાર, યુએસના આ પગલાથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે, જેનો સીધો લાભ સોના અને ચાંદીને મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં COMEX પર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,380 ડોલર સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદીના ભાવ પ્રતિ ઔંસ 75 થી 78 ડોલર સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક બજારમાં MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ ₹1,40,000 અને ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,45,000 સુધી પહોંચી શકે છે. 3 જાન્યુઆરીએ MCX પર સોનાનો ભાવ ₹1,35,752 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ₹2,36,599 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે યુએસ-વેનેઝુએલા કટોકટીના કારણે કેટલાક મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો જોખમમાં આવી શકે છે. આ માર્ગોનો ઉપયોગ વિશ્વના મુખ્ય ચાંદી નિકાસક દેશો કરે છે. પરિણામે ચાંદીના વૈશ્વિક પુરવઠા પર અસર પડી શકે છે, જેનાથી તેના ભાવને વધુ ટેકો મળી શકે છે. આ પરિસ્થિતિમાં સોનાની સરખામણીમાં ચાંદીમાં વધુ ઝડપી ભાવ પ્રતિક્રિયા જોવા મળવાની સંભાવના છે.

તેલની વાત કરીએ તો, વેનેઝુએલા વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર ધરાવતો દેશ છે, જેમાં અંદાજે 303 અબજ બેરલ તેલનો જથ્થો છે. કોઈપણ મોટા તેલ ઉત્પાદક દેશમાં તણાવ વધે ત્યારે વૈશ્વિક તેલ પુરવઠા અંગે ચિંતા વધે છે અને ભાવોમાં અસ્થિરતા આવે છે. જોકે ભારત અગાઉ વેનેઝુએલાનું તેલ ખરીદતું હતું, પરંતુ યુએસ પ્રતિબંધોને કારણે હાલમાં ભારત વેનેઝુએલા પાસેથી લગભગ કોઈ તેલ આયાત કરતું નથી. તેથી હાલની પરિસ્થિતિનો ભારતના તેલ પુરવઠા પર મોટો પ્રભાવ પડતો હોવાનું લાગતું નથી.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
Published On - 2:57 pm, Sun, 4 January 26