
વૈશ્વિક રાજકારણના એક મોટા સમાચારની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાનને લઈને આપેલા એક ચોંકાવનારા નિવેદન બાદ શેરબજાર મિનિટોમાં જ ધડાકાભેર તૂટ્યું છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં બજારે તેની આજની તમામ તેજી ગુમાવી દીધી છે અને રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે.

મળતી માહિતી મુજબ, આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નાટો (NATO)ના વડા વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ બંને નેતાઓની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ લાઈવ કરવામાં આવી હતી. પીસી દરમિયાન નાટોના વડાએ જણાવ્યું કે, "ઈરાન સાથે વાતચીતના મુદ્દે ઘણો સમય બરબાદ કરવામાં આવ્યો છે."

નાટો વડાના આ નિવેદન બાદ તુરંત જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું કે, "ઈરાન સાથેનો સીઝફાયર (યુદ્ધવિરામ) હવે ખતમ થાય છે." ટ્રમ્પના આ આકરા શબ્દોની સાથે જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી આવી ગઈ હતી.

બપોરે બરાબર 1 વાગ્યે ને 46 મિનિટે ટ્રમ્પનું નિવેદન આવતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર વેચવાલી શરૂ થઈ ગઈ હતી. માત્ર 21 મિનિટની અંદર નિફ્ટી 270 પોઈન્ટ નીચે સરકી ગયો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી કુલ 1.5 ટકા જેટલો ગગડ્યો છે.

સેન્સેક્સ પણ આ 21 મિનિટના ગાળામાં આશરે 500 પોઈન્ટ તૂટ્યો હતો. જો આજના દિવસની કુલ વાત કરીએ તો, સમાચાર લખાય છે ત્યાં સુધીમાં સેન્સેક્સ 1500 પોઈન્ટ જેટલો નીચે ખાબક્યો છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધવાની આશંકાથી બજારમાં હજુ પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ટ્રમ્પના આ દન બાદ શેરબજાર ભારે કડાકા સાથે બંધ થયું છે. બજાર બંધ થવા સુધીમાં નિફ્ટી 516 પોઈન્ટના ઘટાડા એટલે કે 2.12% ની નરમાઈ સાથે બંધ થયો છે, જ્યારે સેન્સેક્સ 1677 પોઈન્ટના ઘટાડા એટલે કે 2.15% ના ઘટાડા સાથે બંધ થયો છે.
Published On - 2:19 pm, Wed, 8 July 26