
સપાટી પર બધું જ સામાન્ય દેખાઈ રહ્યું છે, પણ નાણાકીય જગતના ઊંડાણમાં એક એવો મોટો ખેલ રમાઈ રહ્યો છે જે આખી દુનિયાના અર્થતંત્રના પાયા હલાવી શકે છે. IMFના તાજેતરના અંદાજો એવા આંકડાઓ તરફ ઈશારો કરે છે જે ગ્લોબલ મહાસત્તાઓના હોશ ઉડાવી દેવા માટે પૂરતા છે.

બાહ્ય રીતે જે દેશો સૌથી વધુ અમીર અને શક્તિશાળી દેખાય છે, તેમના પડદા પાછળ કંઈક અલગ જ ચક્રવ્યૂહ રચાઈ રહ્યો છે. દ્રશ્યમાન આંકડા અને વાસ્તવિક બોજ વચ્ચે એક એવો ગંભીર તફાવત છે જે દર્શાવે છે કે ટેકનોલોજીના માસ્ટર ગણાતા દેશો પણ પોતાની GDP કરતાં બમણા દેવાના ભયાનક બોજ હેઠળ દબાયેલા છે.

IMFના તાજેતરના આંકડા મુજબ, વિશ્વમાં સૌથી વધુ સરકારી દેવું ધરાવતા ટોપ 10 દેશોમાં અમેરિકા (40,739 અબજ ડૉલર) પ્રથમ, ચીન (22,290 અબજ ડૉલર) બીજા, જાપાન (8,951 અબજ ડૉલર) ત્રીજા, બ્રિટન (4,418 અબજ ડૉલર) ચોથા, ફ્રાન્સ (4,258 અબજ ડૉલર) પાંચમા, ઈટાલી (3,790 અબજ ડૉલર) છઠ્ઠા અને જર્મની (3,523 અબજ ડૉલર) સાતમા ક્રમે છે. આ વૈશ્વિક રેન્કિંગમાં ભારત 3,464 અબજ ડૉલરના સરકારી દેવા સાથે 8મા સ્થાને આવે છે. ત્યાર બાદ 9મા ક્રમે કેનેડા (2,776 અબજ ડૉલર) અને 10મા ક્રમે બ્રાઝિલ (2,544 અબજ ડૉલર) છે.

આ જ વૈશ્વિક નકશા પર ભારતનું નામ 8મા ક્રમે આવીને ઊભું રહ્યું છે, પણ શું આ આંકડો ચિંતાજનક છે? ભારતના મજબૂત GDP ગ્રોથ અને મોટા ભાગનું કરજ સ્વદેશી સ્રોતોમાંથી હોવાને કારણે ભારત હાલ સુરક્ષિત સ્થિતિમાં છે, છતાં વૈશ્વિક મંદી વચ્ચે આ આંકડા પર નજર રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે.

જ્યારે કોઈ દેશ પોતાનું વિદેશી દેવું કે તેનું વ્યાજ ચૂકવવામાં અસમર્થ બને છે, ત્યારે તેને 'સોવરેન ડિફોલ્ટ' અથવા દેશ નાદાર (Bankrupt) થયો કહેવાય છે. આવું થતાં જ દેશનું ચલણ પત્તાની જેમ ગગડી જાય છે, ફુગાવો આસમાને પહોંચે છે અને દેશમાં પેટ્રોલ, ડીઝલ, ખોરાક તેમજ દવાઓની ભયાનક અછત સર્જાય છે. ક્રેડિટ રેટિંગ ઘટી જવાથી નવી લોન મળવી બંધ થઈ જાય છે અને IMF જેવી સંસ્થાઓ પાસે શરણાગતિ સ્વીકારીને જનતા પર આકરા ટેક્સ ઝીંકવા પડે છે.

જ્યારે પરિસ્થિતિ હાથ બહાર જતી રહે છે ત્યારે વૈશ્વિક આર્થિક સંસ્થાઓ જે ગુપ્ત શરતો અને નિયમો લાદે છે, તેની સીધી અને ભયાનક અસર દેશની સામાન્ય જનતાની થાળી, વીજળીના બિલ અને ખિસ્સા પર પડે છે. સરકારી સબસીડીઓ રાતોરાત રદ કરી દેવામાં આવે છે.

આ કોઈ પહેલી વાર નથી થઈ રહ્યું. ભૂતકાળમાં વર્ષ 2022માં શ્રીલંકા વિદેશી કરજ ન ચૂકવી શકતાં સંપૂર્ણ કંગાળ થઈ ગયું હતું. આ સિવાય 2015માં ગ્રીસ, 2001 અને 2020માં આર્જેન્ટિના (જે પોતાના ઇતિહાસમાં 9 વખત ડિફોલ્ટ થયું છે), 2020માં લેબનાન, 2020માં ઝામ્બિયા, તેમજ ભૂતકાળમાં ઝિમ્બાબ્વે અને 1998માં રશિયા પણ નાણાકીય જવાબદારીઓ પૂરી ન કરી શકવાને કારણે આર્થિક નાદારી(Bankruptcy) નોંધાવી ચૂક્યા છે.

હવે આખી દુનિયાની નજર એ સવાલ પર છે કે આગળ શું થશે? શું આ વૈશ્વિક કરજનો આંકડો માત્ર એક નાણાકીય ડેટા છે કે પછી કોઈ મોટો વૈશ્વિક આર્થિક ભૂકંપ આવવાનો બાકી છે? આ ગણિતને સમજવું દરેક નાગરિક માટે કેમ જરૂરી બની ગયું છે.