
SCO બેઠક શરૂ થાય તે પહેલાં, મોદી, જિનપિંગ અને પુતિન એક જ જગ્યાએ ખૂબ જ ખુશ મૂડમાં એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. બાદમાં, પુતિન અને મોદી આ સ્થળથી એક જ કારમાં વાટાઘાટ સ્થળ માટે રવાના થયા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી છે. આ તકનો લાભ ભારતે ઉઠાવ્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સામે યુક્રેનનો મુદ્દો ઉઠાવતા મોદીએ કહ્યું, "અમે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર સતત ચર્ચા કરી રહ્યા છીએ. અમે તાજેતરના તમામ શાંતિ પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષનો અંત લાવવા અને કાયમી શાંતિ સ્થાપિત કરવાનો માર્ગ શોધવો પડશે. આ સમગ્ર માનવતાનું આહ્વાન છે."

નોંધનીય છે કે પુતિનને મળ્યાના બે દિવસ પહેલા, પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. ઝેલેન્સકીએ મોદીને પુતિનને મળે ત્યારે યુદ્ધવિરામ અંગે વાત કરવા વિનંતી કરી હતી. સોમવારે રાષ્ટ્રપતિ પુતિને SCO પરિષદને સંબોધિત કરતી વખતે, તેમણે યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવામાં ભારત અને ચીનની ભૂમિકાની પ્રશંસા કરી.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, મોદી અને પુતિન વચ્ચે આર્થિક, નાણાકીય અને ઉર્જા ક્ષેત્રો સંબંધિત દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી છે અને તાજેતરના સમયમાં આ તમામ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો છે. મોદી અને પુતિને ભારત અને રશિયા વચ્ચે ખાસ અને રચનાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ આ વર્ષના અંતમાં ભારત-રશિયા સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું હતું.