
એશિયન ગેમ્સની વાત કરવામાં આવે તો તેમા પણ 57ની સામે 2023માં 107 મેડલ જીત્યા છીએ. પેરા એશિયન ખેલમાં 33ની સામે 2022માં આપણે 111 પદક હાંસલ કર્યા છે. કોમનવેલ્થમાં 15 ગોલ્ડ મેડલની સામે દેશના ખેલાડીઓ હવે 26 ગોલ્ડ મેડલ જીતી લાવ્યા છે.

તાજેતરમાં સંપન્ન થયેલ ગાંધીનગર સાંસદ ખેલકૂદ સ્પર્ધાની વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે કુલ 37,800 ખેલાડીઓએ જુદી જુદી 42 રમતોમાં ભાગ લીધો હતો. આ 42 રમતમાં ક્રિકેટનો સમાવેશ નહોતો કરાયો, જેથી યુવાનોને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો શીખવે એવી દેશી રમતોને પૂરતું પ્રોત્સાહન મળે.

ગાંધીનગર ખાતે શરૂ થવા જઈ રહેલ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગમાં 1078 ટીમો ભાગ લઈ રહી છે અને 16,100 ખેલાડીઓ રમવાના છે, જે રાજ્યમાં વધી રહેલા સ્પોર્ટ્સ કલ્ચરને દર્શાવે છે.

કેન્દ્રીય મંત્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે રમતમાં હાર અને જીત બંને હોય છે. હારશો તો જીતવાનું જુનૂન પેદા થશે, અગાઉની જીતનો અહંકાર ચૂરચૂર થશે. હારથી હતાશ નથી થવાનું અને જીતથી અહંકાર નથી લાવવાનો, આપણી સામે જીતનાર કે હારનાર આપણો ભાઈ જ હોય છે, આવી ભાવના ખેલદિલી પેદા કરે છે.

તેમણે જણાવ્યું કે સાંસદ ખેલકુદ સ્પર્ધા તેમજ ગાંધીનગર સાંસદ ક્રિકેટ લીગ (જીએલપીએલ)નો આ પ્રારંભ છે અને તેનો ક્યારેય અંત આવવાનો નથી, એવી તેમણે ખાતરી આપી હતી.
Published On - 9:01 pm, Mon, 12 February 24