
સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકો (Aramco) એ સોમવારે સાવચેતીના ભાગરૂપે તેની રાસ તનુરા ઓઈલ રિફાઈનરી (Ras Tanura Oil Refinery) બંધ કરી દીધી છે. વાસ્તવમાં, ઈરાની ડ્રોન હુમલાને કારણે આ રિફાઈનરીમાં આગ લાગી હતી, ત્યારબાદ સાઉદી અરેબિયાએ આ નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે, અરામકો વિશ્વની સૌથી મોટી તેલ કંપની છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને અરામકોની રિફાઈનરીને નિશાન પર લીધી છે.

વર્ષ 2025 ની શરૂઆતમાં, સાઉદી અરામકો દરરોજ અંદાજે 12.5 થી 12.8 મિલિયન બેરલ તેલનું કુલ હાઇડ્રોકાર્બન ઉત્પાદન જાળવી રાખ્યું હતું, જેમાં કુલ લિક્વિડ ઉત્પાદન (કાચું તેલ અને નેચરલ ગેસ લિક્વિડ) સરેરાશ લગભગ 10.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) રહ્યું હતું.

હાલમાં પણ કંપની કાચા તેલની મહત્તમ 12 મિલિયન bpd ની ક્ષમતા ધરાવે છે. આ અગાઉ વર્ષ 2024 માં, સાઉદી અરેબિયાનું દૈનિક તેલ ઉત્પાદન આશરે 10.9 મિલિયન બેરલ નોંધાયું હતું.

સાઉદી અરામકોમાં મોટાભાગનો હિસ્સો સાઉદી અરેબિયાની સરકાર પાસે છે. સાઉદી સરકાર કંપનીના 81% થી વધુ શેર ધરાવે છે. સાઉદી અરેબિયાના સોવરિન વેલ્થ ફંડ, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) પાસે વધુ 16% હિસ્સો છે. કંપની વર્ષ 2019 માં પબ્લિક થઈ હતી, જેના કેટલાક શેર સંસ્થાકીય (Institutional) અને રિટેલ રોકાણકારો પાસે છે.

મળતી માહિતી મુજબ, આ સમયે સાઉદી અરામકોની માર્કેટ કેપિટલ 6.32 લાખ કરોડ સાઉદી રિયાલ છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે ₹154 લાખ કરોડ થાય છે. કંપનીના એક શેરની કિંમત 26.10 સાઉદી રિયાલ છે, જે ભારતીય રૂપિયામાં ₹635.43 જેટલી થાય છે.

સાઉદી અરામકોના લેટેસ્ટ ફાઇનાન્શિયલ રિપોર્ટ મુજબ, વર્ષ 2025માં કંપનીની રેવન્યુ ₹42.216 લાખ કરોડ રહી હતી. વર્ષ 2024માં કંપનીએ ₹41.227 લાખ કરોડની રેવન્યુ મેળવી હતી, જે વર્ષ 2023ની ₹41.216 લાખ કરોડની રેવન્યુ કરતા વધુ હતી.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ગુજરાતમાં આવેલી તેની જામનગર રિફાઇનરી માટે સાઉદી અરામકો પાસેથી મોટી માત્રામાં કાચું તેલ (Crude Oil) આયાત કરે છે. સાઉદી અરામકો છેલ્લા 20 થી વધુ વર્ષોથી રિલાયન્સની એક મોટી ઓઇલ સપ્લાયર રહી છે, જે આ કોમ્પ્લેક્સમાં પ્રોસેસ થતા સરેરાશ 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) તેલનો મોટો હિસ્સો પૂરો પાડે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસમાં 20% હિસ્સો ખરીદવા માટે સાઉદી અરામકોની સૂચિત $15 બિલિયનની ડીલ નવેમ્બર 2021 માં સત્તાવાર રીતે કેન્સલ કરવામાં આવી હતી. વર્ષ 2019 માં જાહેર કરાયેલી આ ભાગીદારીમાં RIL ના O2C બિઝનેસનું મૂલ્ય $75 બિલિયન આંકવામાં આવ્યું હતું પરંતુ વેલ્યુએશનમાં તફાવત અને રિલાયન્સના ગ્રીન એનર્જી તરફના વ્યૂહાત્મક ફેરફારને કારણે વાતચીતનો અંત આવ્યો હતો.
Published On - 5:34 pm, Tue, 3 March 26