
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પોતાની 'ટોપ પિક' ગણાવીને તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બ્રોકરેજે રિલાયન્સના શેર પર 'ઓવરવેટ' રેટિંગ યથાવત રાખ્યું છે અને ₹1,803નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે, જે ગુરુવારના બંધ ભાવથી અંદાજે 28% જેટલા વધારાની શક્યતા દર્શાવે છે.

બ્રોકરેજનું કહેવું છે કે, રિલાયન્સ દ્વારા આગામી 7 વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને લગતી એનર્જી સપ્લાયમાં જે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, તે કંપનીની મૂડી ફાળવણી (Capital Allocation)ની રણનીતિમાં આગામી મોટો ફેરફાર છે. આ રોકાણ અગાઉના ટેલિકોમ અને કન્ઝ્યુમર બિઝનેસના વિસ્તરણ જેટલું જ મોટું માનવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં 'India AI Impact Summit 2026' દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગ્રુપના AI રોકાણના પ્લાનની રૂપરેખા રજૂ કરી હતી. આ યોજના હેઠળ મલ્ટી-ગીગાવોટ 'AI-રેડી' ડેટા સેન્ટર્સ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને 10 ગીગાવોટ સુધીની રિન્યુએબલ એનર્જી, એનર્જી સ્ટોરેજ અને ચિપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સપોર્ટ આપવામાં આવશે.

યોજના મુજબ, 120 મેગાવોટની પ્રારંભિક ક્ષમતા વર્ષ 2026 ના બીજા ભાગમાં શરૂ થવાની અપેક્ષા છે. ત્યારબાદ તબક્કાવાર રીતે તેનો વિસ્તાર કરવામાં આવશે. મોર્ગન સ્ટેનલીનો અંદાજ છે કે, પ્રથમ 1 ગીગાવોટના તબક્કા માટે 12 થી 15 અબજ ડોલરના કેપિટલ એક્સપેન્ડિચરની જરૂર પડી શકે છે. બ્રોકરેજે વધુમાં જણાવ્યું કે, રિલાયન્સ તેના વર્તમાન વ્યવસાયમાંથી દર વર્ષે અંદાજે 14 થી 15 અબજ ડોલરનો ઓપરેટિંગ કેશ ફ્લો જનરેટ કરે છે, જે આ નવા રોકાણને ટેકો આપી શકે છે.

બ્રોકરેજનું માનવું છે કે, પ્રસ્તાવિત ‘ઇન્ટેલિજન્સ’ બિઝનેસથી કંપનીને અગાઉના મોટા રોકાણોની સરખામણીએ વધુ સારું વળતર મળી શકે છે. અંદાજ છે કે, ટેક્સ પછી મૂડી પર વળતર 12 ટકાથી વધુ અને આગામી 5 વર્ષમાં ઇક્વિટી પર વળતર અંદાજે 18 ટકા સુધી પહોંચી શકે છે. આ વળતર ટેલિકોમ અને રિટેલ બિઝનેસ કરતા પણ વધુ માનવામાં આવે છે.

શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 0.70 ટકા વધીને 1,419.40 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 15.3 ટકાનો ઉછાળો આવ્યો છે, જે નિફ્ટીની 11.7 ટકાની તેજી કરતા વધુ સારું પ્રદર્શન છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડી) અંદાજે 19.1 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

નિષ્ણાતો અનુસાર, આગામી એક વર્ષ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની સરેરાશ ટાર્ગેટ પ્રાઇસ ₹1722.95 આંકવામાં આવી છે, જે હાલના ભાવથી અંદાજે 21.39% નો ઉછાળો સૂચવે છે. કુલ 37 વિશ્લેષકના અનુમાન મુજબ, શેરનો મહત્તમ ભાવ ₹1890 (+33.15%) અને લઘુત્તમ ભાવ ₹1490 સુધી જઈ શકે છે. ચાર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે, શેર અત્યારે તેના સરેરાશ ટાર્ગેટથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે, જે રોકાણકારો માટે આવનારા સમયમાં મોટી તેજીના સંકેત આપે છે.