
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની Reliance Industries એ તેના રોકાણકારો માટે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર ₹6 ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ ડિવિડન્ડ મેળવવા માટે 5 જૂન, 2026 ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. એટલે કે જે રોકાણકારોના ડિમેટ ખાતામાં આ તારીખ સુધી રિલાયન્સના શેર હશે, તેઓ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર ગણાશે.

કંપનીએ 27 મે, 2026 ના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે તેની વાર્ષિક સામાન્ય સભા (AGM) 19 જૂન, 2026 ના રોજ બપોરે 2 વાગ્યે યોજાશે. AGM વીડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો (OAVM) દ્વારા યોજાશે. કંપનીએ જણાવ્યું કે બેઠક કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને SEBI દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર યોજાશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે AGMમાં ડિવિડન્ડને મંજૂરી મળ્યા બાદ સાત દિવસની અંદર રોકાણકારોના ખાતામાં તેની ચુકવણી કરવામાં આવશે. સાથે જ AGMમાં મતદાન માટે લાયક સભ્યો નક્કી કરવા માટે 12 જૂન, 2026 ની કટ-ઓફ તારીખ નક્કી કરવામાં આવી છે.

આ વર્ષે એપ્રિલમાં કંપનીએ 31 માર્ચ, 2026 ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે ₹10ના ઇક્વિટી શેર દીઠ ₹6 ડિવિડન્ડની ભલામણ કરી હતી. હવે કંપનીએ તેની રેકોર્ડ તારીખ જાહેર કરતા રોકાણકારોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે.

કંપનીના ત્રિમાસિક પરિણામોની વાત કરીએ તો Reliance Industries એ Q4FY26 દરમિયાન ₹16,971 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. અગાઉના ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹18,645 કરોડ હતો, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે ₹19,407 કરોડ રહ્યો હતો.

બીજી તરફ કંપનીની કુલ આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. Q4FY26 દરમિયાન રિલાયન્સની એકીકૃત આવક ₹2.94 લાખ કરોડ સુધી પહોંચી હતી, જે અગાઉના ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹2.65 લાખ કરોડ હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીની આવક ₹2.61 લાખ કરોડ નોંધાઈ હતી. રિટેલ અને ડિજિટલ સેવાઓના મજબૂત પ્રદર્શનને કારણે કંપનીની આવકમાં આ વૃદ્ધિ નોંધાઈ હોવાનું માનવામાં આવે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત પાણી જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)