
દેશનો પહેલો 509 કિલોમીટર લાંબો હાઇ-સ્પીડ રેલ કોરિડોર સાબરમતી (અમદાવાદ) અને મુંબઈ વચ્ચે નિર્માણાધીન છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દાવો કરે છે કે, આ કોરિડોર પર બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે સમગ્ર અંતર 2 કલાક અને 17 મિનિટમાં પૂર્ણ કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ વર્ષ 2017 માં કરવામાં આવ્યો હતો, જેનું લક્ષ્ય વર્ષ 2023 સુધી પૂર્ણ કરવાનું હતું. જો કે, જમીન સંપાદન સહિત અલગ અલગ મુશ્કેલીઓને કારણે તેમાં વિલંબ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

બુલેટ ટ્રેન કોરિડોર પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. કામ જેમ જેમ કામ આગળ વધશે, તેમ તેમ વધુ રૂટ પર હાઇ-સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર, તેના પ્રથમ તબક્કામાં ઓગસ્ટ 2027 માં સુરત અને વાપી વચ્ચેના 100 કિલોમીટરના રૂટ પર બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

રેલવેએ અગાઉ સુરત અને બીલીમોરા વચ્ચેના 50 કિલોમીટરના સેક્શનનું ઉદ્ઘાટન કરવાની યોજના બનાવી હતી. આ બધા વચ્ચે હવે એવી અપેક્ષા છે કે, સમગ્ર પ્રોજેક્ટ વર્ષ 2029 ના અંત સુધીમાં પૂર્ણ થશે. આ સેક્શન વર્ષ 2028 માં થાણે અને વર્ષ 2029 માં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સુધી પૂર્ણ થશે.

રેલવેના દાવા મુજબ, બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર 1 કલાક અને 58 મિનિટમાં કાપશે, જે ચાર સ્ટેશન પર રોકાશે. હવે એવામાં, જો તે બધા 12 સ્ટેશન પર રોકાશે, તો આખું અંતર 2 કલાક અને 17 મિનિટમાં કાપવામાં આવશે. અહેવાલો અનુસાર, એકવાર આખું નેટવર્ક કાર્યરત થઈ ગયા પછી પીક અવર્સ દરમિયાન દર 10 મિનિટે એક ટ્રેન ઉપલબ્ધ થશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી માટે રિઝર્વેશનની જરૂર રહેશે નહીં અને મુસાફરો સ્ટેશન પર ટિકિટ લઈ શકશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન માટે અંદાજિત 12 સ્ટેશન વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાત બાજુના મોટાભાગના સ્ટેશનો પહેલાથી જ પૂર્ણ થઈ ગયા છે. આ બધા સ્ટેશનોમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. મુસાફરો આગામી 5 વર્ષમાં આ બધા સ્ટેશન પરથી બુલેટ ટ્રેનની મુસાફરી કરવાનો આનંદ માણી શકશે.

રેલવે મંત્રાલયે કોરિડોર પર સિગ્નલિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે સિમેન્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને કોન્ટ્રાક્ટ આપ્યો છે. જો કે, નિષ્ણાતો માને છે કે, આ સિસ્ટમ જાપાની શિંકનસેન બુલેટ ટ્રેન માટે યોગ્ય ન પણ હોય. મંત્રાલયે ભારત અર્થ મૂવર્સ લિમિટેડને 250 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે તેવી સ્વદેશી હાઇ-સ્પીડ ટ્રેન વિકસાવવા જણાવ્યું છે.
Published On - 6:05 pm, Fri, 21 November 25