
IPL 2026 હવે ઝડપથી પ્લેઓફની નજીક જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

IPL 2026 ની 58મી મેચ આજે 14મી મે 2026ના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ધર્મશાલાના, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

પંજાબ કિંગ્સ સતત ચાર મેચ હારી છે ત્યારબાદ હવે તેનો સામનો આજે મુંબઈ ઈન્ડિયન્સ સામે થવાનો છે. આ મેચમાં પંજાબ કિંગ્સ પોતાની પ્લેઓફની આશાઓને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. દરમિયાન, પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ હવે બાકીની મેચોમાં સન્માન બચાવવા માટે સંઘર્ષનો સામનો કરશે.

IPL 2026ના સિઝનમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વચ્ચે આ બીજી મેચ છે. અગાઉ, જ્યારે બંને ટીમો વાનખેડે સ્ટેડિયમમાં એકબીજા સામે આવી હતી, ત્યારે પંજાબે મુંબઈને 7 વિકેટથી હરાવ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનમાં 11 મેચમાંથી ફક્ત 3 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર્યા બાદ, મુંબઈ ઇન્ડિયન્સ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે પાંચ વખતની ચેમ્પિયન ટીમ તેમની બાકીની મેચ જીતીને સીઝનનો અંત શાનદાર રીતે કરવાનો પ્રયાસ કરશે.

પંજાબ કિંગ્સ હાલમાં 11 મેચમાંથી 6 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. સતત ચાર હારને કારણે ટીમ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. હવે પંજાબ કિંગ્સ તેમની આગામી મેચ જીતવાનો પ્રયાસ કરશે.

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધી IPLમાં 35 મેચ રમી છે. પંજાબ કિંગ્સે આમાંથી 18 મેચ જીતી છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 17 જીતી છે.

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ દેશના સૌથી સુંદર ક્રિકેટ મેદાનોમાંનું એક માનવામાં આવે છે. ધર્મશાલાની પીચ બેટ્સમેન માટે ખૂબ જ અનુકૂળ હોય છે.