
1 નવેમ્બર 2026 થી પર્સનલ ફાઇનાન્સ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ નિયમો લાગુ થઈ ગયા છે. જેની સીધી અસર પેન્શનર્સ, ટેક્સપેયર્સ, ક્રેડિટ કાર્ડ ધારકો, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો અને બેંક ગ્રાહકો પર જોવા મળશે. વાર્ષિક જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની મુદતથી માંડીને ઓડિટ ટેક્સપેયર્સ માટે ITR ની લંબાયેલી તારીખ, GST સુધારાઓ, બેંક ચાર્જિસ અને ટોલ પ્લાઝાના વાર્ષિક પાસના નિયમોમાં થયેલા તમામ ફેરફારોની વિગતો નીચે મુજબ છે:

પેન્શનર્સે 30 નવેમ્બર સુધી જમા કરાવવું પડશે જીવન પ્રમાણપત્ર: પેન્શનની ચુકવણી કોઈપણ અડચણ વગર ચાલુ રહે તે માટે પેન્શનર્સે 30 નવેમ્બર સુધી પોતાનું વાર્ષિક જીવન પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) જમા કરાવવું પડશે. 80 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ પેન્શનર્સ માટે આ પ્રક્રિયા 1 ઑક્ટોબરથી શરૂ થઈ ગઈ હતી, જ્યારે અન્ય પેન્શનર્સ માટે 1 નવેમ્બરથી સુવિધા શરૂ થઈ છે. પેન્શનર્સ પોતાની બેંક શાખા, ડિજિટલ જીવન પ્રમાણ સુવિધા અથવા પોસ્ટ વિભાગની ડોરસ્ટેપ સર્વિસ દ્વારા પ્રમાણપત્ર જમા કરાવી શકે છે. નિયત તારીખ સુધી સર્ટિફિકેટ જમા ન કરાવનારનું પેન્શન કામચલાઉ ધોરણે અટકી શકે છે.

ઓડિટ ટેક્સપેયર્સ માટે ITR ફાઇલ કરવાની મુદત લંબાવાઈ: આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2026-27 માટે જે કરદાતાઓને ઓડિટ કરાવવું ફરજિયાત છે, તેમના માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ 31 ઑક્ટોબરથી લંબાવીને 21 નવેમ્બર કરી છે. આ રાહત માત્ર ઓડિટ હેઠળ આવતા વેપારીઓ, પ્રોફેશનલ્સ અને પેઢીઓ પૂરતી સીમિત છે. સામાન્ય વ્યક્તિગત કરદાતાઓ (ITR-1 અને ITR-2) માટે નિયમિત મુદત પૂર્ણ થઈ ગઈ છે, જોકે તેઓ 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.

GST અને ઈ-કોમર્સ વિક્રેતાઓ માટે નવા નિયમો: 1 નવેમ્બરથી ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) હેઠળ વેચાણ પછી મળતા ડિસ્કાઉન્ટ (post-sale discounts) અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ધરાવતા વેપારીઓ માટે પ્રોવિઝનલ રિફન્ડ ઝડપી બનાવવાના નિયમો અમલી બન્યા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં માલ વેચતા નાના ઈ-કોમર્સ સેલર્સ હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મના ગોડાઉનને પોતાનું મુખ્ય વેપાર સ્થળ જાહેર કરી શકશે. આ સુધારાથી અંદાજે 9.5 લાખ નાના વેપારીઓને નોંધણી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં મોટી સરળતા રહેશે.

PNB ક્રેડિટ કાર્ડના ચાર્જિસમાં વધારો: પંજાબ નેશનલ બેંકે (PNB) વિઝા અને રૂપે ક્રેડિટ કાર્ડ પર સર્વિસ ચાર્જ સુધાર્યા છે. PNB ના ATM માંથી રોકડ ઉપાડવા પર 2.5% અથવા ₹400 (જે વધુ હોય) અને અન્ય બેંકના ATM માંથી રોકડ ઉપાડ પર 2.5% અથવા ₹500 ચાર્જ વસૂલાશે. લેટ પેમેન્ટ ફીમાં મહત્તમ ચાર્જ ₹750 થી વધારીને ₹1,200 (₹50,000 થી વધુના બાકી લેણાં પર) કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક બિલિંગ સાયકલમાં ₹50,000 થી વધુના યુટિલિટી બિલ પેમેન્ટ પર 1% વધારાનો ચાર્જ લાગુ થશે.

ઇન્ડસઇન્ડ બેંક: ફેઇલ્ડ ટ્રાન્ઝેક્શન પર નવો દંડ: ઇન્ડસઇન્ડ બેંકના પસંદગીના બચત ખાતાઓમાં પૂરતા બેલેન્સના અભાવે POS સ્વાઇપ કે ATM ટ્રાન્ઝેક્શન ફેઇલ થશે તો ગ્રાહકે ₹25 ચાર્જ ચૂકવવો પડશે. ટેકનિકલ કે અન્ય બિન-નાણાકીય કારણોસર ચેક રિટર્ન થવા પર પ્રતિ ચેક ₹50 વસૂલવામાં આવશે. આ શુલ્ક પર નિયમ મુજબ GST અલગથી લાગશે.

ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન બનશે ડિફોલ્ટ વિકલ્પ: સેબી (SEBI) ના નિર્દેશ મુજબ એસેટ મેનેજમેન્ટ કંપનીઓના ડિજિટલ પ્લેટફોર્મ પર 1 નવેમ્બરથી ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન ડિફોલ્ટ વિકલ્પ તરીકે જોવા મળશે. ડાયરેક્ટ પ્લાનમાં ડિસ્ટ્રિબ્યુટર કમિશન ન હોવાથી તેનો એક્સપેન્સ રેશિયો રેગ્યુલર પ્લાનની સરખામણીએ ઓછો હોય છે, જેનાથી રોકાણકારોને લાંબા ગાળે વધુ વળતર મળે છે.

સ્થાનિક ટોલ પ્લાઝા પાસના નિયમોમાં રાહત: માર્ગ પરિવહન મંત્રાલયના નવા નોટિફિકેશન અનુસાર ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા ખાનગી વાહન માલિકો માટે વાર્ષિક લોકલ પાસની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જો ટોલ પ્લાઝા મ્યુનિસિપાલિટી વિસ્તારની બહાર હોય તો વાર્ષિક ફી ₹1,500 અને શહેરની અંદર હોય તો ₹3,000 ચૂકવવાની રહેશે. આ પાસ માન્ય ફાસ્ટેગ ધરાવતા બિન-વ્યાવસાયિક વાહનો માટે જ લાગુ થશે.

સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) પ્રી-મેચ્યોર રિડેમ્પશન: નવેમ્બર 2026 દરમિયાન સોવરિન ગોલ્ડ બોન્ડની 4 પાત્ર સિરીઝના વહેલા રિડેમ્પશન માટેની તારીખો નક્કી કરવામાં આવી છે. જેમાં 2021-22 સિરીઝ VII માટે 2 નવેમ્બર, 2020-21 સિરીઝ VIII માટે 18 નવેમ્બર, 2020-21 સિરીઝ II માટે 19 નવેમ્બર અને 2021-22 સિરીઝ I માટે 25 નવેમ્બરની તારીખ ઉપલબ્ધ રહેશે.