
મુકેશ અંબાણીની કંપનીમાં સામેલ આ સ્ટોક ₹1,000નો આંકડો પાર કરી શકે છે એવી બ્રોકરેજ આગાહી સામે આવી છે. શેરબજારમાં અનેક એવી કંપનીઓ છે જેમાં મુકેશ અંબાણીનું રોકાણ છે અને તેમાંની એક મહત્વની કંપની છે Just Dial Limited. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની Reliance Retail Ventures Limited એ જસ્ટ ડાયલમાં નોંધપાત્ર હિસ્સેદારી મેળવી છે.

શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કંપનીના પ્રમોટર રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલમાં કુલ 54,289,574 શેર ખરીદ્યા છે, જે કંપનીમાં 63.84% હિસ્સેદારી દર્શાવે છે. આથી હવે જસ્ટ ડાયલ પર મુકેશ અંબાણીની કંપનીનો નિયંત્રણકારી હિસ્સો છે. આ મોટા રોકાણ બાદ બજાર નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસિસ જસ્ટ ડાયલના શેર પર તેજીનો અભિગમ રાખી રહ્યા છે.

હાલમાં જસ્ટ ડાયલનો શેર ભાવ ₹718.50 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ગયા શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન શેર ₹749 સુધી પહોંચ્યો હતો. સ્ટોકનો 52 સપ્તાહનો ઉચ્ચતમ સ્તર ₹1,049.85 રહ્યો છે. આ વચ્ચે, બ્રોકરેજ ફર્મ JM ફાઈનાન્શિયલ જસ્ટ ડાયલ પર તેની ‘Buy’ રેટિંગ યથાવત રાખી છે. બ્રોકરેજે FY26થી FY28 માટે આવકના અંદાજમાં 0.4થી 0.5 ટકાનો સુધારો કર્યો છે તેમજ EBITDA માર્જિન અંદાજમાં 37થી 71 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.

JM ફાઇનાન્શિયલે જસ્ટ ડાયલ માટે નવો લક્ષ્ય ભાવ ₹1,060 નક્કી કર્યો છે, જે અગાઉના ₹1,050 કરતાં વધુ છે. બીજી તરફ, બ્રોકરેજ ફર્મ Citiએ પણ સ્ટોક પર ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને તેનો લક્ષ્ય ભાવ ₹1,000 સુધી વધાર્યો છે. જોકે, Citiનું માનવું છે કે કંપનીને વૃદ્ધિ જાળવી રાખવા માટે સતત રોકાણ કરવાની જરૂર છે. ટ્રાફિકમાં ઘટાડાને કારણે Citiએ જસ્ટ ડાયલ માટે વૃદ્ધિ અંદાજ અને વેલ્યુએશન ગુણાંક 12 ગણાથી ઘટાડીને 10 ગણો કર્યો છે.

કંપનીના ત્રિમાસિક પરિણામોની વાત કરીએ તો, હાયપરલોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલનો ડિસેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 10.2% ઘટીને ₹117.9 કરોડ રહ્યો છે. જોકે, ત્રિમાસિક ધોરણે નફામાં 1.2%નો વધારો થયો છે અને તે ₹119.4 કરોડ સુધી પહોંચ્યો છે. નવા શ્રમ સંહિતાના અમલને કારણે સેવા ખર્ચમાં વધારો થતાં ₹21 કરોડનો એક વખતનો ખર્ચ થયો હતો, જેના કારણે નફા પર અસર પડી. આ ખર્ચ વગર કંપનીનો નફો અંદાજે ₹139 કરોડ રહેત.

ત્રિમાસિક આધાર પર કંપનીની આવક લગભગ ₹303 કરોડ પર સ્થિર રહી છે. આ દરમિયાન, જસ્ટ ડાયલનો કુલ ટ્રાફિક (યુનિક વિઝિટર્સ) 145 મિલિયન રહ્યો, જે વાર્ષિક ધોરણે 3.5% ઓછો છે, પરંતુ ત્રિમાસિક ધોરણે 6.6%નો વધારો નોંધાયો છે. કુલ ટ્રાફિકમાંથી 86.2% મોબાઇલ પ્લેટફોર્મ પરથી આવ્યો હતો, જ્યારે 11.1% ડેસ્કટોપ અને 2.8% વોઇસ પ્લેટફોર્મ પરથી નોંધાયો હતો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
Published On - 7:39 pm, Sat, 17 January 26