લિસ્ટિંગના પહેલા જ દિવસે 629% ઉછળ્યો શેર! રોબોટિક્સ કંપનીના IPOનું ગ્રાન્ડ ઓપનિંગ, રોકાણકારો થયા ‘માલામાલ’
રોબોટ બનાવતી એક જાણીતી ટેકનોલોજી કંપનીએ સ્ટોક માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરીને સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. લિસ્ટિંગના પહેલા જ દિવસે કંપનીના શેરમાં લગભગ 629% નો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે, જેનાથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. આ સેક્ટરમાં ઇતિહાસ રચનારી રોબોટ બનાવતી કંપનીએ માર્કેટમાંથી અબજો રૂપિયાનું ફંડ એકત્ર કર્યું છે.

ચીનની હ્યુમનોઇડ રોબોટ (Humanoid Robot) બનાવતી કંપની યુનિટ્રી રોબોટિક્સે (Unitree Robotics) Shanghai Stock Exchange પર એવી ધમાકેદાર શરૂઆત કરી છે કે, દુનિયાભરમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. Shanghai Stock Exchange ના STAR Market પર કંપનીના શેર 150.8 યુઆનની IPO કિંમત સામે લગભગ 629% ઉછળીને 1,100 યુઆન પર લિસ્ટ થયા. યુનિટ્રીએ IPO દ્વારા લગભગ 6.1 અબજ યુઆન એટલે કે આશરે 90.4 મિલિયન ડોલર (8,500 કરોડ રૂપિયા) એકત્ર કર્યા છે.

ચીનના હાંગઝોઉ (Hangzhou) ની આ કંપનીનું સત્તાવાર નામ યુશૂ ટેકનોલોજી (Yushu Technology) છે. આ IPO ને એક મહત્વનો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે, કારણ કે યુનિટ્રી ચીનમાં હ્યુમનોઇડ રોબોટિક્સ સેક્ટરમાં લિસ્ટ થનારી પહેલી કંપની છે. આ IPO માં લગભગ 40.4 મિલિયન નવા શેર બહાર પાડવામાં આવ્યા.

યુનિટ્રીના IPO માં રોકાણકારોનો રસ પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયો હતો. રિટેલ રોકાણકારોએ IPO ને કેટલાય હજાર ગણો ઓવરસબ્સ્ક્રાઇબ કર્યો હતો. કંપનીના શેર માટે લગભગ 98 લાખ અરજીઓ આવી હતી. આટલી જંગી માંગ એવા સમયે આવી છે, જ્યારે ચીન હ્યુમનોઇડ રોબોટ્સ અને ઇમ્બોડીડ એઆઈ (Embodied AI) ને વ્યૂહાત્મક ટેકનોલોજી તરીકે પ્રોત્સાહન આપી રહ્યું છે. AI ની દોડ હવે માત્ર વિશાળ લેંગ્વેજ મોડેલ (Large Language Models) સુધી સીમિત નથી રહી. રોકાણકારોનું ધ્યાન હવે એવા એઆઈ સિસ્ટમ પર વધી રહ્યું છે કે, જે વાસ્તવિક દુનિયામાં રોબોટ દ્વારા કામ કરી શકે.

યુનિટ્રીના પ્રોસ્પેક્ટસ અનુસાર કંપનીની આવક (Revenue) વર્ષ 2024 ના આશરે 393 મિલિયન યુઆનથી વધીને વર્ષ 2025 માં લગભગ 1.7 અબજ યુઆન પહોંચી ગઈ. આ જ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો (Net Profit) લગભગ 278 મિલિયન યુઆન રહ્યો અને ગ્રોસ માર્જિન 60% થી વધુ છે.

કંપનીએ વર્ષ 2025 માં 5,500 થી વધુ હ્યુમનોઇડ રોબોટ્સની ડિલિવરી કરી છે. યુનિટ્રી હ્યુમનોઇડ્સની સાથે ક્વાડ્રુપડ રોબોટ્સ (Quadruped Robots) એટલે કે ચાર પગવાળા રોબોટ ડોગ પણ બનાવે છે. યુનિટ્રીના લિસ્ટિંગ પાછળ માત્ર રોબોટિક્સનો ઉત્સાહ જ નથી. ચીનમાં નવા શેરની કિંમત નક્કી કરવા અંગે રેગ્યુલેટર્સ પ્રમાણમાં સાવચેત રહે છે.

આનાથી ઘણીવાર IPO ની કિંમત બજારની પ્રારંભિક માંગની સરખામણીમાં ઘણી ઓછી રહી જાય છે. તેવામાં લિસ્ટિંગના દિવસે મોટો ઉછાળો જોવા મળી શકે છે. જો કે, 1100 યુઆનનું લિસ્ટિંગ કંપનીની IPO કિંમત કરતાં લગભગ 7 ગણું વધુ છે. ટૂંકમાં, રોકાણકારોને યુનિટ્રી પાસેથી ભવિષ્યમાં ખૂબ જ ઝડપી ગ્રોથની અપેક્ષા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
48% સુધીના ઉછાળા માટે તૈયાર થઈ જાવ! આ સ્મોલકેપ શેર રોકાણકારોને માલામાલ કરશે, એક્સપર્ટે આપ્યું ‘BUY રેટિંગ’
