
ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર હાલમાં ટોચના સ્થાને છે. વર્તમાન સીઝનમાં રાજ્યમાં 200 થી વધુ સૌથી વધારે સુગર મિલ કામ કરી રહી છે. મહારાષ્ટ્રનો એક મોટો ફાયદો તેની ટ્રોપિકલ અને દરિયાઈ આબોહવા છે. યોગ્ય તાપમાન અને ભેજનું મિશ્રણ શેરડીને સમય પહેલાં સૂકાયા વગર સારી રીતે વધવામાં મદદ કરે છે. રાજ્યમાં શિયાળો ટૂંકો હોય છે અને સૂર્યપ્રકાશ સારો મળે છે. આનાથી શેરડીમાં સુક્રોઝનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં લગભગ 9.92 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. બીજી એક મોટી તાકાત મહારાષ્ટ્રનું સહકારી સુગર મિલ મોડેલ છે. આમાં ખેડૂતો ઉદ્યોગના સંચાલનમાં સીધી ભૂમિકા ભજવે છે. મુખ્ય ખાંડ ઉત્પાદક કેન્દ્રોમાં પુણે, સતારા, સોલાપુર, અહમદનગર અને કોલ્હાપુરનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશને અવારનવાર 'ભારતનો ખાંડનો વાટકો' (Sugar Bowl of India) કહેવામાં આવે છે. અહીં લગભગ 8.92 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. દેશમાં શેરડીની ખેતીનો સૌથી મોટો વિસ્તાર અહીં જ છે. જો કે, કેટલીક સીઝનમાં તૈયાર ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર આગળ હોઈ શકે છે પરંતુ ખેતીના વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું શેરડી ઉત્પાદક રાજ્ય બનેલું છે. રાજ્યના ફળદ્રુપ ગંગા-યમુનાના મેદાન શેરડીની ખેતી અને સિંચાઈ માટે શ્રેષ્ઠ સ્થિતિ પૂરી પાડે છે. જો કે, ઉત્તર પ્રદેશની આબોહવા સબ-ટ્રોપિકલ છે. અહીં ઉનાળામાં ખૂબ ગરમી અને શિયાળામાં ખૂબ ઠંડી હોય છે. આ પરિસ્થિતિઓ શેરડીના પાકવાના સમયગાળા અને સુગર રિકવરી રેટને અસર કરી શકે છે. મહારાષ્ટ્રથી વિપરીત જ્યાં સહકારી સમિતિઓની મોટી ભૂમિકા છે, ત્યાં ઉત્તર પ્રદેશના ખાંડ ઉદ્યોગમાં મોટી ખાનગી સુગર મિલોની મજબૂત ઉપસ્થિતિ છે. મુખ્ય પ્રોડક્શન ક્લસ્ટરમાં મુઝફ્ફરનગર, મેરઠ, બિજનોર, સહારનપુર અને ગોરખપુરનો સમાવેશ થાય છે.

કર્ણાટક ભારતના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યોમાં ત્રીજા સ્થાને આવે છે. અહીં લગભગ 4.71 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. સાથે જ તે દેશના સૌથી મહત્વપૂર્ણ સુગર હબમાંથી એક છે. શેરડીની ખેતી અલગ-અલગ ઋતુઓ અને આબોહવા ધરાવતા વિસ્તારોમાં થાય છે. ઉત્તર કર્ણાટક, ખાસ કરીને બેલગાવી અને બાગલકોટ જેવા વિસ્તારોમાં પડોશી મહારાષ્ટ્ર જેવી જ આબોહવાની સ્થિતિ છે. દક્ષિણના વિસ્તારોને કાવેરી બેસિનમાંથી પાણીની ઉપલબ્ધતાનો ફાયદો મળે છે. રાજ્યની સુગર મિલોએ ઝડપથી આધુનિક ટેકનોલોજી અપનાવી છે. ઘણી મિલો ખાંડના ઉત્પાદનની સાથે-સાથે ઇથેનોલ બનાવવાનું અને વીજળી ઉત્પન્ન કરવાનું કામ પણ કરે છે. આનાથી તેમને શેરડીમાંથી વધારાની આવક થાય છે.

ગુજરાત દેશના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યોમાં ચોથા સ્થાને આવે છે. ગુજરાતમાં લગભગ 1.1 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. રાજ્યનો ખાંડ ઉદ્યોગ ખેતીની વ્યવસ્થિત પદ્ધતિઓ અને સહકારી સુગર મિલોના મજબૂત નેટવર્ક માટે જાણીતો છે. શેરડીનું ઉત્પાદન મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના મેદાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય છે. સહકારી સંસ્થાઓ ખેડૂતોને સુગર મિલો સાથે જોડવા અને શેરડીના પ્રોસેસિંગનું સંચાલન કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.

તમિલનાડુ ટોચના પાંચ રાજ્યોની યાદીમાં જોડાયેલ છે. રાજ્યમાં લગભગ 0.9 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. રાજ્યની ગરમ આબોહવાના કારણે અહીં વર્ષના લાંબા સમય સુધી શેરડીની ખેતી અને પિલાણનું કામ ચાલતું રહે છે. ઘણા વિસ્તારોમાં ખેડૂતો પાણીના વધુ સારા ઉપયોગ અને શેરડીની પેદાશ વધારવા માટે આધુનિક ખેતી પદ્ધતિઓ અને ટપક સિંચાઈ (ડ્રીપ ઇરિગેશન) નો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓથી તમિલનાડુને ભારતના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યોમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં મદદ મળે છે.