
દેશમાં અનેક સરકારી તેમજ ખાનગી વીમા કંપનીઓ કાર્યરત છે, જેમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) સરકારી કંપની હોવાથી કરોડો લોકો તેના પર વિશ્વાસ મૂકીને વીમો કરાવે છે અને નિયમિત પ્રીમિયમ ભરે છે. જોકે, ઘણી વખત આર્થિક તંગી કે નાણાંની અછતને લીધે સમયસર પ્રીમિયમ ભરવું મુશ્કેલ બની જાય છે.

આવા સમયે લેટ ફી લાગવાનો કે પોલિસી લેપ્સ (બંધ) થઈ જવાનો ભય રહે છે. જો તમે પણ આવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવ, તો તમારા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતામાં જમા નાણાંનો ઉપયોગ કરીને LIC પ્રીમિયમની સરળતાથી ચુકવણી કરી શકો છો.

શું PF ના પૈસાથી LIC પ્રીમિયમ ભરી શકાય? હા, જો કોઈ સભ્ય આર્થિક મુશ્કેલીના કારણે પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થ હોય, તો તે પોતાના EPF ખાતામાં જમા નાણાંમાંથી પ્રીમિયમ ચૂકવી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) માં ફોર્મ 14 (Form 14) ભરીને સબમિટ કરવાનું રહે છે.

શું છે ફોર્મ 14? ફોર્મ 14 એ EPF ખાતામાં જમા રકમનો ઉપયોગ કરીને LIC પોલિસીના પ્રીમિયમની ચૂકવણી કરવા માટેનું સત્તાવાર અરજીપત્રક છે. આ ફોર્મ EPFO ની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ભરીને મંજૂર થયા બાદ નિયત તારીખે LIC પ્રીમિયમની રકમ EPF ખાતામાંથી સીધી ઓટો-ડેબિટ (ઓટોમેટિક કપાઈ) થઈ જશે, જેના લીધે રોકડ ચૂકવણીની ચિંતા રહેશે નહીં.

આ સુવિધાનો લાભ કોણ લઈ શકે? (મહત્વની શરતો): આ સુવિધા મેળવવા માટે કેટલીક આવશ્યક શરતો પૂરી કરવી જરૂરી છે: સભ્ય ઓછામાં ઓછા બે વર્ષથી EPF ફંડનો સક્રિય સભ્ય હોવો જોઈએ. સભ્યના EPF ખાતામાં (પોતાના હિસ્સામાં) ઓછામાં ઓછી બે વર્ષના LIC પ્રીમિયમ જેટલી રકમ જમા હોવી ફરજિયાત છે. ફંડમાં સભ્યનું વાર્ષિક યોગદાન વાર્ષિક પ્રીમિયમની રકમ ચૂકવવા માટે પૂરતું હોવું જોઈએ. સભ્યએ એ પણ પ્રમાણિત કરવું પડશે કે તેણે અગાઉ ક્યારેય પીએફ ખાતામાંથી વીમા પોલિસીની ચૂકવણી માટે નાણાં ઉપાડ્યા નથી. આ પોલિસી સંપૂર્ણપણે કોઈપણ પ્રકારના બોજ (ઋણ) થી મુક્ત હોવી જોઈએ.

ફોર્મ 14 માં કઈ વિગતો ભરવાની રહેશે? અરજી કરતી વખતે ફોર્મ 14 માં નીચે મુજબની પોલિસી વિગતો નોંધવી પડશે: LIC ની જે શાખા કે યુનિટમાં પોલિસી ખાતું છે તેનું સરનામું, પોલિસી અથવા પ્રપોઝલ નંબર અને તારીખ, વીમાની રકમ (સમ એશ્યોર્ડ) અને પોલિસી ખરીદવાની સંભવિત તારીખ, વાર્ષિક પ્રીમિયમની રકમ અને પ્રથમ તેમજ આગામી પ્રીમિયમ ચૂકવણીની નિયત તારીખ, છેલ્લું પ્રીમિયમ ચૂકવવાની તારીખ, ઉંમરની સ્વીકૃતિ અંગેની વિગત (જો ન થઈ હોય તો રજૂ કરેલા પુરાવાની માહિતી), વીમા અધિનિયમ, 1938 ની કલમ 39 હેઠળ નોમિનીનું નામ (નોમિની સગીર હોય તો વાલીનું નામ), સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ને અગાઉ સોંપેલી કોઈ જૂની પોલિસી હોય તો તેની વિગત

નોંધનીય છે કે, સામાન્ય રીતે EPF માં જે વ્યક્તિ નોમિની હોય તેને જ આ પોલિસીમાં નોમિની રાખવાની રહેશે. વધુ વિગતો અને પ્રક્રિયા માટે સભ્યો EPFO ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.