
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળ બેઠકમાં ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાન સામે વધુ સુરક્ષા મળશે.

રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પ્રતિ રનિંગ મીટર રૂ. 200 અથવા કુલ ખર્ચના 50 ટકા સુધી સહાય આપવામાં આવતી હતી. પરંતુ હાલ મટીરીયલ અને મજૂરીના ખર્ચમાં વધારો થતાં ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને હવે સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર રૂ. 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા સુધી સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યોજનામાં વધુ એક મહત્વપૂર્ણ રાહત પણ આપવામાં આવી છે. અગાઉ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન ધરાવતું ક્લસ્ટર ફરજિયાત હતું. ઘણીવાર જૂથમાં સામેલ ખેડૂતો વચ્ચે સહમતી ન બનતાં નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા હતા. હવે સરકારે આ મર્યાદા ઘટાડીને એક હેક્ટર કરી દીધી છે, જેથી નાના અને મધ્યમ ખેડૂતોને પણ સરળતાથી યોજનાનો લાભ મળી શકશે.

આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આશરે એક લાખ જેટલી અરજીઓ મળી ચૂકી છે. સરકાર દ્વારા ચોમાસા પહેલાં તબક્કાવાર તમામ અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરીને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતો સમયસર ફેન્સિંગનું કામ શરૂ કરી શકે.

આ યોજના માટે રાજ્ય સરકારે રૂ. 240 કરોડનું પ્રાથમિક ભંડોળ ફાળવ્યું છે. સરકારનું કહેવું છે કે જો જરૂર પડશે તો વધારાનું ભંડોળ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી વધુમાં વધુ ખેડૂતોને યોજનાનો લાભ મળી શકે.

અગાઉ આ યોજના માટે અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ વર્ષમાં માત્ર એક જ વખત ખુલતું હતું. પરંતુ આ વર્ષે વધુ ખેડૂતો સુધી યોજના પહોંચે તે માટે જરૂરિયાત મુજબ બીજી વખત પણ પોર્ટલ ખુલ્લું મૂકવાની તૈયારી સરકારે દર્શાવી છે. સરકારનો હેતુ ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવાનો અને ખેતીને વધુ સુરક્ષિત બનાવવાનો છે.