
T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને BCCI તરફથી મોટી ભેટ મળી છે. બોર્ડે ટીમ માટે કુલ ₹131 કરોડની ઈનામી રકમ જાહેર કરી છે. આ રકમ માત્ર ખેલાડીઓમાં જ નહીં પરંતુ કોચિંગ સ્ટાફ અને ટીમના અન્ય સભ્યો વચ્ચે પણ વહેંચવામાં આવશે. આ નિર્ણય બાદ ખેલાડીઓ પર જાણે પૈસાનો વરસાદ થયો હોય તેવી સ્થિતિ છે.

અહેવાલો અનુસાર, T20 વર્લ્ડ કપ 2026માં રમનાર તમામ 15 ખેલાડીઓને પ્રતિ ખેલાડી ₹6 કરોડ આપવામાં આવશે. આ રીતે કુલ ₹90 કરોડ માત્ર ખેલાડીઓ વચ્ચે વહેંચાશે. ટીમના તમામ ખેલાડીઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હવે તેમને આ મોટું ઈનામ આપવામાં આવી રહ્યું છે.

ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફ માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે. કુલ ₹41 કરોડની રકમ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચાશે. તેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, બેટિંગ કોચ સિતાંશુ કોટક, સહાયક કોચ રાયન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપનો સમાવેશ થાય છે.

આ સિવાય ટીમના થ્રોડાઉન એક્સપર્ટ, સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચ, ફિઝિયો અને ટીમ ડોક્ટર સહિત અન્ય સપોર્ટ સ્ટાફને પણ આ ઈનામ મળશે. સ્ટાફના કુલ સભ્યોની સંખ્યા સ્પષ્ટ નથી, પરંતુ અંદાજ પ્રમાણે દરેક સભ્યને લગભગ ₹2 થી ₹3 કરોડ સુધીની રકમ મળી શકે છે.

ભારતીય ટીમ માટે છેલ્લા કેટલાક વર્ષો ખૂબ સફળ રહ્યા છે. 2024 માં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 2024 માં BCCI દ્વારા ટીમને ₹125 કરોડનું ઈનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પણ ટીમને ₹58 કરોડનું ઈનામ મળ્યું હતું.

આ વખતના T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. સેમસને 89 રનની શાનદાર ઈનિંG રમી હતી, જ્યારે બુમરાહે માત્ર 15 રન આપી 4 વિકેટ ઝડપી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો, જ્યારે સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો. (PC:PTI/X)