વર્ષ 2024 ટેસ્ટ ક્રિકેટ માટે શાનદાર રહ્યું અને ઘણા શાનદાર પરિણામો જોવા મળ્યા. ઉપરાંત, કેટલાક ખાસ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી દરેકનું ધ્યાન ખેંચ્યું હતું અને પોતપોતાની ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આવા 11 ખેલાડીઓને હવે ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર માટે પસંદ કરવામાં આવ્યા છે.
ICCએ શુક્રવારે 24 જાન્યુઆરીએ આ ટીમની જાહેરાત કરી હતી, જેમાં ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયા તરફથી માત્ર એક ખેલાડીને સ્થાન મળ્યું છે, પરંતુ આ ખેલાડી બીજું કોઈ નહીં પણ સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સ છે, જેને આ ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.
ICC બેસ્ટ ટેસ્ટ પ્લેઈંગ-11માં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારી બે ટીમો (દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા) માંથી એકમાત્ર પેટ કમિન્સ જ આ ટીમમાં સ્થાન મેળવી શક્યો છે. આ ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં સૌથી વધુ 4 ખેલાડીઓ ઈંગ્લેન્ડના છે, જ્યારે ભારતના 3 , ન્યુઝીલેન્ડના 2 અને ઓસ્ટ્રેલિયા-શ્રીલંકાના 1-1 ખેલાડીનો સમાવેશ થયો છે.
ભારતીય તરફથી યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને આ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે બીજા ઓપનર તરીકે ઈંગ્લેન્ડના બેન ડકેટ તેની સાથે છે. ગત વર્ષ જયસ્વાલ માટે શાનદાર વર્ષ હતું, તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 2 બેવડી સદી ફટકારી હતી, જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ પર્થમાં શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તે ભારતનો સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો હતો. જયસ્વાલે 2024માં 29 ટેસ્ટ ઈનિંગ્સમાં 54.74ની એવરેજથી 1478 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 9 અડધી સદી સામેલ હતી.
જયસ્વાલ ઉપરાંત સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ આ ટીમનો ભાગ છે. ગત વર્ષે જાડેજાએ 18 ઈનિંગ્સમાં 1 સદી અને 3 અડધી સદી સહિત 527 રન બનાવ્યા હતા અને 21 ઈનિંગ્સમાં 48 વિકેટ પણ પોતાના નામે કરી હતી.
ગયા વર્ષે ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી સાબિત થયેલો સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ આ ટીમનો ભાગ છે. બુમરાહે 2024માં 26 ઈનિંગ્સમાં સૌથી વધુ 71 વિકેટ લીધી હતી, જેમાં તેણે 5 વખત એક ઈનિંગમાં 5 વિકેટ અને 4 વખત ઈનિંગમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.
પેટ કમિન્સ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, બેન ડકેટ, કેન વિલિયમસન, જો રૂટ, હેરી બ્રુક, કામિન્દુ મેન્ડિસ, જેમી સ્મિથ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, મેટ હેનરી, જસપ્રીત બુમરાહ. (All Photo Credit : PTI / GETTY / ICC)