IPLની હરાજીમાં સૌથી ચર્ચિત ખેલાડી જે વેચાયો નહીં તે પૃથ્વી શો હતો. આ ખેલાડી લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો, પરંતુ છેલ્લી કેટલીક સિઝનમાં તેનું ખરાબ પ્રદર્શન અને નબળી ફિટનેસ આ ઓક્શનમાં તેને ભારે પડી હતી અને કોઈ ટીમી તેના પર બોલી ન લગાવી.
માત્ર શો જ નહીં, સરફરાઝ ખાનને પણ IPLમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. સરફરાઝે 2021થી IPL રમી નથી. આ ટૂર્નામેન્ટમાં તેણે 40 મેચમાં 23.21ની એવરેજથી 441 રન બનાવ્યા છે. એવું લાગી રહ્યું છે કે સરફરાઝને ટેસ્ટ બેટ્સમેનનું લેબલ લાગી ગયું છે.
શાર્દુલ ઠાકુર ગત સિઝન સુધી CSKમાં હતો પરંતુ આ વખતે તેને કોઈ ખરીદનાર મળ્યો નથી. આ બીજી વખત છે જ્યારે 2015થી IPLમાં રમી રહેલા શાર્દુલને કોઈ ટીમે ખરીદ્યો નથી. શાર્દુલ વર્ષ 2016માં પણ IPLમાં રમ્યો ન હતો. ગત સિઝનમાં શાર્દુલ 9 મેચમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યો હતો, જેના કારણે તેને આ વર્ષે કોઈ ખરીદનાર મળ્યો નથી.
IPLમાં ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ચૂકેલા ઉમેશ યાદવને આ વખતે કોઈ ખરીદનાર મળ્યો નથી. ગયા વર્ષે ઉમેશે ગુજરાત માટે 8 વિકેટ લીધી હતી. IPL કારકિર્દીમાં તેણે 144 વિકેટ ઝડપી છે પરંતુ આ વખતે તેને કોઈ ટીમે ખરીદ્યો નથી.
નવદીપ સૈની, શિવમ માવી, ચેતન સાકરિયા, સંદીપ વોરિયરને પણ કોઈ ખરીદનાર મળ્યો નથી. આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યા છે. કૃષ્ણપ્પા ગૌતમને ઓલરાઉન્ડરમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. વિકેટકીપર કેએસ ભરત પર કોઈએ દાવ લગાવ્યો નહીં. (All Photo Credit : PTI / X)