1 એપ્રિલના રોજ, IPL 2025ની 13મી મેચમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટક્કર થશે. આ મેચમાં IPLના ઈતિહાસના બે સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો પણ જોવા મળશે, જેઓ પોતપોતાની ટીમના કેપ્ટન પણ છે.
ખાસ વાત એ છે કે આ બંને ખેલાડીઓ ભારતની વર્તમાન મેન્સ ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટના મહત્વપૂર્ણ પ્લેયર્સ છે. આ બંને ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા ફ્રેન્ચાઈઝીએ 1, 2 નહીં પણ કુલ 53.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
આ બંને ખેલાડીઓ છે રિષભ પંત અને શ્રેયસ અય્યર. રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો છે.
IPL 2025માં રિષભ LSG અને શ્રેયસ PBKSની કપ્તાની કરી રહ્યો છે. રિષભ પંતના નેતૃત્વ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સની આ ત્રીજી મેચ હશે. જ્યારે શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સ આ સિઝનની પોતાની બીજી મેચ રમશે.
IPL 2025ની પોતાની પહેલી મેચમાં લખનૌને હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં 27 કરોડમાં ટીમમાં સામેલ રિષભ પંત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. પરંતુ બીજી મેચમાં LSGએ હૈદરાબાદને હરાવ્યું હતું. જોકે, અહીં પણ પંત ફ્લોપ રહ્યો અને માત્ર 15 રન બનાવી આઉટ થયો હતો.
પંજાબ કિંગ્સની વાત કરીએ તો તેઓએ IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. પંજાબ કિંગ્સ 11 રનથી જીતી ગયું. આ મેચમાં, 26.75 કરોડ રૂપિયાની કિંમતના IPL ઈતિહાસના બીજા સૌથી મોંઘા ખેલાડી શ્રેયસ અય્યરે 42 બોલમાં 97 રનની તોફાની ઈનિંગ રમી હતી.
IPL 2025માં પહેલીવાર બે સૌથી મોંઘા ખેલાડીઓ ટકરાશે, પરંતુ અત્યાર સુધીના બંનેના પ્રદર્શનમાં શ્રેયસ અય્યરનું ફોર્મ રિષભ પંતના ફોર્મ કરતા વધુ સારું રહ્યું છે. જોકે, ક્રિકેટમાં દરેક દિવસ નવો હોય છે, એવામાં આજની મેચમાં કોણ કોના પર ભારે પડશે તે જોવાનું રસપ્રદ રહેશે. (All Photo Credit : PTI)