
ભારતીય ટીમની આ જીતનો સ્ટાર વિરાટ કોહલી હતો, જેણે 84 રનની શાનદાર ઇનિંગ રમી અને ફરી એકવાર લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમને જીતની નજીક પહોંચાડી. કોહલી આ વખતે પોતાની સદી પૂરી કરી શક્યો નહીં પણ તેણે પોતાનું કામ પૂરું કરી લીધું હતું.

આ સેમિફાઇનલ પહેલા, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ODI મેચ 2023 ના વર્લ્ડ કપની ફાઇનલમાં રમાઈ હતી અને તે મેચમાં રાહુલની ધીમી ઇનિંગ્સને ટીમ ઇન્ડિયાની હારનું કારણ માનવામાં આવ્યું હતુ.

આ એક ઇનિંગને કારણે, રાહુલ છેલ્લા દોઢ વર્ષથી સતત ટીકા અને ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે. રાહુલે પોતે કેટલીક વાર સ્વીકાર્યું હતું કે તે ઇનિંગ્સ તેના માટે દુઃસ્વપ્ન હતી અને જ્યારે પણ તેને તક મળશે ત્યારે તે તેને સુધારવા માંગશે. બસ દુબઈમાં રાહુલે પોતાનું કામ કરી દેખાડ્યું હતુ.જેમણે શાનદાર સિક્સર ફટકારીને ટીમને ફાઇનલમાં પહોંચાડી. રાહુલ માત્ર 34 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ટીમ ઈન્ડિયાની જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ફાઇનલમાં તેનો મુકાબલો કોની સામે થશે તે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચ પછી સ્પષ્ટ થશે. આ મેચ બુધવારે લાહોરમાં રમાશે.