
13 વર્ષના વૈભવ સૂર્યવંશીનું બેટ ક્રિકેટના મેદાનમાં ધમાલ મચાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે IPL ઓક્શનમાં આ સૌથી યુવા ખેલાડીને 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. વૈભવ બિહારનો રહેવાસી છે.

IPL 2025ના ઓક્શનમાં બિહારના 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ તેમના દસ વર્ષના પુત્રની ક્રિકેટની તાલીમ માટે પોતાની જમીન વેચવી પડી હતી.તે સમયે પિતાને ખબર ન હતી કે, 3 વર્ષમાં તેમનો પુત્ર ક્રિકેટમાં ઈતિહાસ રચશે. વૈભવના પિતાની બિહારના મોતીપુર ગામમાં જમીન હતી જે તેમણે પુત્રની તાલીમનો ખર્ચ ઉઠાવવા માટે વેચી દીધી હતી.

વૈભવના પિતા, સંજીવ, બિહારના સમસ્તીપુર નજીકના મોતીપુર ગામના વતની છે, તેમણે તેમના પુત્રની સિદ્ધિ પર ખૂબ ગર્વ વ્યક્ત કર્યો છે, તેમના પુત્રની સફરને યાદ કરતાં તેમણે કહ્યું કે પરિવારે આર્થિક પડકારોનો સામનો કર્યો હતો પરંતુ વૈભવની પ્રતિભામાં વિશ્વાસ રાખ્યો હતો.

ESPN Cricinfo અનુસાર, વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો અને તેમની હાલની ઉંમર 13 વર્ષ છે. વૈભવ સૂર્યવંશી બિહાર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.

વૈભવ સૂર્યવંશી હવે ભારત માટે અંડર-19 ODI રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે આ મેચ 13 વર્ષ અને 248 દિવસની ઉંમરે રમી હતી. આ પહેલા આ રેકોર્ડ પીયૂષ ચાવલાના નામે હતો.

વૈભવની આઈપીએલ ઓક્શનમાં બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી. વૈભવે માત્ર 5 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને પોતાની મહેનત અને સમર્પણથી આજે ક્રિકેટની દુનિયામાં પોતાની ઓળખ બનાવી.
Published On - 1:01 pm, Sun, 15 December 24