
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલા T20 વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં ભારતીય બેટ્સમેન અભિષેક શર્માને મહત્વપૂર્ણ જીવનદાન મળ્યું હતું. મેચની ત્રીજી ઓવરના ચોથા બોલ પર ન્યુઝીલેન્ડના બોલર જેકબ ડફીએ સ્ટમ્પ્સ પર શોર્ટ લેન્થની ડિલિવરી કરી હતી.

અભિષેકે આ બોલને પુલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શોટ બરાબર લાગ્યો નહોતો અને બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ હવામાં ગયો.

બાઉન્ડ્રી પાસે ઉભેલા ફિલ્ડર ગ્લેન ફિલિપ્સ કેચ લેવા માટે આગળ દોડ્યા અને ડાઇવ પણ લગાવી, પરંતુ બોલ તેમના હાથ સુધી પહોંચતા પહેલા જ જમીન પર પડી ગયો. આ રીતે અભિષેક શર્માનો સરળ લાગતો કેચ છૂટી ગયો અને ભારત માટે આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ.

તે સમયે અભિષેક શર્મા માત્ર 7 બોલમાં 12 રન પર રમતો હતો. પરંતુ કેચ છૂટ્યા પછી તેણે પોતાની બેટિંગની ગતિ વધારી દીધી અને આક્રમક અંદાજમાં રન બનાવવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તેણે માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને ન્યુઝીલેન્ડના બોલરો પર ભારે દબાણ ઉભું કર્યું. અભિષેક શર્મા 41 રન પર હતો ત્યારે તેનો બીજી વાર કેચ છૂટયો. જોકે આ કેચ થોડો અઘરો હતો.

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઝડપી અડધી સદીની વાત કરીએ તો યુવરાજ સિંહનું નામ સૌથી ઉપર આવે છે, જેમણે 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. અભિષેક શર્માએ 18 બોલમાં અડધી સદી કરીને આ યાદીમાં બીજા સ્થાન પર પોતાનું નામ નોંધાવ્યું અને ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી.