શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. પહેલી વનડેમાં સદી ચૂકી ગયા બાદ, તેણે હવે ત્રીજી વનડેમાં આ સિદ્ધિ મેળવી છે. ગિલે અમદાવાદમાં શાનદાર બેટિંગ કરી અને 95 બોલમાં સદી ફટકારી. આ તેની વનડે કારકિર્દીની સાતમી સદી છે. ODI ફોર્મેટમાં 507 દિવસ પછી ગિલના બેટમાંથી સદી આવી છે. તેણે છેલ્લી વખત 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે ODI સદી ફટકારી હતી.
અમદાવાદમાં સદી ફટકાર્યા બાદ શુભમન ગિલે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. શુભમન ગિલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. આ ઉપરાંત, તે ODI ક્રિકેટમાં 7 સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય પણ બન્યો હતો. શુભમન માત્ર 50 ODI ઈનિંગ્સમાં 7 સદી ફટકારી ચૂક્યો છે. એટલું જ નહીં, તે પોતાની 50મી વનડે ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય પણ છે.
શુભમન ગિલે પોતાની સદીની ઈનિંગ દરમિયાન સૌથી ઝડપી 2500 ODI રન પૂરા કરવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગિલે માત્ર 50 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. હાશિમ અમલાએ 2500 રન બનાવવા માટે 51 ઈનિંગ્સ લીધી હતી. ગિલ 50 વનડે ઇનિંગ્સ પછી સૌથી વધુ રન (2587) બનાવનાર ખેલાડી બની ગયો છે.
જ્યારે શુભમન ગિલ અમદાવાદમાં મેદાન પર ઉતર્યો ત્યારે તે આત્મવિશ્વાસથી ભરેલો દેખાતો હતો. આનું સાચું કારણ છેલ્લી બે વનડેમાં તેની શાનદાર ઈનિંગ્સ હતી. તેના બેટે નાગપુર અને કટકમાં પચાસથી વધુનો સ્કોર ફટકારી દીધો હતો અને હવે અમદાવાદનો વારો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી, કેપ્ટન રોહિત ફક્ત બે બોલ રમીને પેવેલિયન પાછો ફર્યો હતો, પરંતુ તે પછી ગિલે વિરાટ સાથે મળીને ઝડપી બેટિંગ કરી હતી. વિરાટે શરૂઆત કરવામાં સમય લીધો પણ ગિલે ઝડપી બેટિંગ કરી અને ઈંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવ્યું.
શુભમન ગિલે 51 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે વિરાટ સાથે સદીની ભાગીદારી પણ પૂર્ણ કરી હતી. પરંતુ વિરાટ કોહલી આઉટ થયા પછી ગિલે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી. ગિલે આગામી પચાસ રન 44 બોલમાં પૂરા કર્યા અને પોતાની સાતમી ODI સદી પૂર્ણ કરી હતી. શુભમન ગિલે અમદાવાદમાં 102 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી.
શુભમન ગિલે ફરી એકવાર ODI ક્રિકેટમાં સાબિત કર્યું છે કે તે આ ફોર્મેટનો રાજકુમાર (Prince) છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. (All Photo Credit : X / BCCI / PTI)