
ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી કુલ પાંચ વખત વર્લ્ડ કપ જીત્યા છે. તેમાં 1983 અને 2011 ના વનડે વર્લ્ડ કપ તેમજ 2007, 2024 અને 2026 ના T20 વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આ તમામ ઐતિહાસિક જીતોમાં અલગ-અલગ સમયગાળામાં ગુજરાતના ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

1983 ના વનડે વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. કપિલ દેવની આગેવાનીમાં ભારતે વિશ્વ ક્રિકેટમાં નવી ઓળખ બનાવી હતી. તે સમયગાળામાં ગુજરાતનો કોઈ ખેલાડી ભારતીય ટીમમાં સામેલ નહોતો, પરંતુ ત્યારબાદના વર્ષોમાં ગુજરાતના ક્રિકેટરો ટીમ ઈન્ડિયાના મહત્વના ભાગ બનતા ગયા.

2011 ના વનડે વર્લ્ડ કપમાં ગુજરાતના બે ખેલાડીઓ મુનાફ પટેલ અને યુસુફ પઠાણ ભારતીય ટીમમાં સામેલ હતા. ખાસ કરીને મુનાફ પટેલે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મહત્વપૂર્ણ બોલિંગ કરી હતી. ભારતે મુંબઈમાં રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ જીત્યો હતો.

2007 ના પ્રથમ T20 વર્લ્ડ કપમાં પણ ગુજરાતના બે ખેલાડીઓ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ (પઠાણ ભાઈઓ) ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. ખાસ કરીને ઈરફાન પઠાણે ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ઈરફાન પઠાણે તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

2024 ના T20 વર્લ્ડ કપમાં ગુજરાતના ચાર ખેલાડીઓ – રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાના મુખ્ય સ્તંભ બન્યા હતા. ચારેય ખેલાડીઓએ ટૂર્નામેન્ટ દરમિયાન મહત્વપૂર્ણ પ્રદર્શન કરીને ભારતને ખિતાબ જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

તાજેતરમાં પૂર્ણ થયેલા T20 વર્લ્ડ કપ 2026માં પણ ગુજરાતના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ફરી એકવાર ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓ રહ્યા. તેમના દમદાર પ્રદર્શનના કારણે ભારતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો.

આ રીતે ભારતના પાંચ વર્લ્ડ કપ વિજયમાં કુલ સાત ગુજરાતી ખેલાડીઓ ટીમનો ભાગ બની ચૂક્યા છે અને પોતાના દમદાર પ્રદર્શનથી ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. (PC:PTI/X/ESPN)