
T20 વર્લ્ડ કપ 2026 માં 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારત-પાકિસ્તાનની ટક્કર થશે. આ ફક્ત એક મેચ નથી, પણ બંને દેશના ક્રિકેટપ્રેમીઓ માટે ઉત્સવ છે. બંને દેશની ટીમો વચ્ચે ક્રિકેટની આ ટક્કરનો ઈતિહાસ 74 વર્ષ જૂનો છે.

કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ તમામ ક્રિકેટ મેચ રોમાંચક રહી છે, પણ ખાસ વાત એ છે કે જીતના મામલે ભારત પાકિસ્તાનથી આગળ રહ્યું છે, તેમાં પણ ખાસ વાત એ છે કે જ્યારે બંને ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પહેલીવાર મેદાનમાં ટકરાઈ હતી ત્યારે ત્રણેય વાર ભારતે બાજી મારી છે.

પહેલી ટેસ્ટ, 16-18 ઓક્ટોબર, 1952: ભાગલાના પાંચ વર્ષ પછી, ભારત અને પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર આમને-સામને હતા. આ પાકિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ પણ હતી, જે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા ભારતે હેમુ અધિકારીના 81 રનની મદદથી 372 રન બનાવ્યા. જવાબમાં, હનીફ મોહમ્મદના 51 રન છતાં પાકિસ્તાન 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પ્રથમ ઇનિંગમાં વિનુ માંકડે 52 રન આપીને 8 વિકેટ લીધી. પાકિસ્તાને ફોલોઓન કર્યું, અને માંકડે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી. પાકિસ્તાન એક ઇનિંગ અને 70 રનથી ટેસ્ટ હારી ગયું.

પહેલી વનડે, 1 ઓક્ટોબર, 1978 : પાકિસ્તાનના ક્વેટામાં રમાયેલી મેચમાં ભારતે 40 ઓવરમાં 7 વિકેટે 170 રન બનાવ્યા. ભારત તરફથી મોહિન્દર અમરનાથે સૌથી વધુ 51 રન બનાવ્યા. જવાબમાં, પાકિસ્તાન 8 વિકેટે 166 રન જ બનાવી શક્યું અને 4 રનથી મેચ હારી ગયું.

પ્રથમ T20, 14 સપ્ટેમ્બર, 2007: ભારત અને પાકિસ્તાન ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પ્રથમ વખત 2007 ના ડરબનમાં T20 વર્લ્ડ કપ દરમિયાન ટકરાયા હતા. આ ICC ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં રમાયેલી મેચમાં બંને ટીમો વચ્ચે ટાઇમાં પરિણમી હતી. ભારત અને પાકિસ્તાન બંનેએ 141 રન બનાવ્યા હતા. ટાઇનો નિર્ણય સુપર ઓવરને બદલે બોલ-આઉટ દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં ભારતનો વિજય થયો હતો. (PC: X/INSTA/ESPN)