
ગ્રુપ સ્ટેજમાં ભારતે ચારેય મેચ જીતીને સુપર 8 માં દમદાર એન્ટ્રી કરી છે. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સંતુલિત પ્રદર્શનને કારણે ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહી છે. આ સતત જીતે ટીમ મેનેજમેન્ટને પણ સંતોષ આપ્યો છે અને હવે આગળની લડત માટે નવી યોજના તૈયાર થઈ રહી છે.

ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે નેધરલેન્ડ્સ સામેની જીત બાદ જાહેર કર્યું કે ખેલાડીઓને એક દિવસની રજા આપવામાં આવી છે. ગુરુવાર, 19 ફેબ્રુઆરીએ ટીમ પ્રેક્ટિસ નહીં કરે. એક દિવસના આરામ પછી ટીમ ફરી મેદાન પર ઉતરી દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે તૈયારીઓ શરૂ કરશે.

સૂર્યકુમાર યાદવે કહ્યું કે જીતથી હંમેશા શીખવા મળે છે, રજાના દિવસે ખેલાડીઓ પોતાના હોટેલ રૂમમાં રહી મેચના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. ખાસ કરીને ક્યાં સુધારો કરવાની જરૂર છે અને કઈ બાબતોમાં વધુ મજબૂતી લાવવી તે અંગે વિચારણા થશે.

ભારતે પોતાની છેલ્લી ગ્રુપ મેચ નેધરલેન્ડ્સ સામે અમદાવાદમાં રમી હતી. હવે ભારતની સુપર 8 ની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદમાં જ યોજાવાની છે. આ કારણે ટીમને ટ્રાવેલિંગનો થાક સહન કરવો પડશે નહીં.

મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ઘરઆંગણે મળતા સમર્થન અને પરિચિત પરિસ્થિતિઓ ટીમ ઈન્ડિયાને ફાયદો આપી શકે છે. હવે નજર 22 ફેબ્રુઆરીની મેચ પર છે, જ્યાં ભારત સુપર 8 માં જીતથી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. (PC: PTI/X)