
કભી કભી કુછ જીતને કે લીએ કુછ હારના ભી પડતા હે, ઓર હાર કે જીતને વાલે કો બાઝીગર કહેતે હે... તમે બોલિવૂડ ફિલ્મ "બાઝીગર" નો આ ડાયલોગ તો સંભાળ્યો જ હશે, આ ડાયલોગ હાલ ટીમ ઈન્ડિયા માટે લાગુ પડે છે.

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં બધી મેચો જીતી, પરંતુ સુપર 8 ની પહેલી જ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું. પરંતુ હવે આ હાર જ T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયાની જીતની ગેરંટી બનશે. હવે આ કેવી રીતે શક્ય છે તે જાણવા T20 વર્લ્ડ કપના ઈતિહાસ પર નજર કરવી જરૂરી છે.

2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે જે બન્યું તે 19 વર્ષ પહેલા 2007 ના T20 વર્લ્ડ કપમાં જે બન્યું હતું તેના જેવું જ હતું. ત્યાં પણ, ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટના બીજા રાઉન્ડની પહેલી મેચ હારી ગઈ. પરંતુ પછી જે બન્યું તે ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોથી નોંધાયેલું છે.

2007 T20 વર્લ્ડ કપના બીજા રાઉન્ડની પહેલી મેચ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચ જીતી, રન રેટ પણ સુધાર્યો અને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા. ત્યારબાદ ભારતે 2007 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ જીતી અને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું.

19 વર્ષ પછી, 2026 ના T20 વર્લ્ડ કપમાં પણ આવી જ સ્થિતિ બની છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે હારી ગઈ. આફ્રિકા સામેની હારથી ભારતીય ક્રિકેટ ચાહકોને ચોક્કસ દુઃખ થયું હતું, પરંતુ જો ઈતિહાસનું પુનરાવર્તન થાય છે, તો આ હાર ટીમ ઈન્ડિયાને ચેમ્પિયનનો તાજ પહેરાવનારી સાબિત થઈ શકે છે.

2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતની આગામી બે મેચ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે છે. ભારતે પહેલા બંને મેચ જીતવી પડશે અને પોતાનો રન રેટ સુધારવો પડશે, જેમ ટીમ ઈન્ડિયાએ 2007 ના T20 વર્લ્ડ કપ દરમિયાન કર્યું હતું. આમ કરવાથી ભારત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકશે, જે તેમના માટે ફાઇનલમાં પહોંચવા અને ફરીથી T20 વર્લ્ડ કપ જીતવાનો માર્ગ ખોલી શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, ટીમ ઈન્ડિયાનું કિસ્મત ક્નેક્શ થઈ ગયું છે. હવે જોવાનું એ રહે છે કે શું આ 19 વર્ષ જૂનો ઈતિહાસ T20 વર્લ્ડ કપમાં પુનરાવર્તિત થશે. (PC: PTI/X)