
ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટની બધી મેચ જીતી છે, પરંતુ પ્રદર્શન સંપૂર્ણ રીતે સંતોષકારક રહ્યું નથી. યુએસએ સામે ટીમ 77/6 બાદ ટીમ સંકટમાં આવી ગઈ હતી, જ્યારે નામિબિયા સામે મજબૂત શરૂઆત છતાં અપેક્ષા મુજબ મોટો સ્કોર ઉભો કરી શકાયો નહીં. પાકિસ્તાન સામે પણ ઇશાન કિશન સિવાય બેટિંગ લાઇનઅપ ખાસ અસરકારક દેખાઈ નહોતું. તેમ છતાં, સતત જીત ભારતની મજબૂતાઈ દર્શાવે છે.

આગામી સુપર 8 રાઉન્ડમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેનો સામનો કરશે. તેથી અંતિમ ગ્રુપ મેચમાં પોતાની કમજોરીઓ દૂર કરવી અને યોગ્ય કોમ્બિનેશન શોધવું જરૂરી બન્યું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ યોગ્ય તક બની શકે છે.

નેધરલેન્ડ્સ સામે બુમરાહ અને પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે. તેમની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજને વધુ જવાબદારી મળી શકે છે. બેટિંગ માટે અનુકૂળ અમદાવાદની પિચ પર બોલરોની સાચી કસોટી થશે. પંડ્યાની જગ્યાએ શિવમ દુબેને બોલિંગ ભૂમિકામાં અજમાવી શકાય છે.

પંડ્યાની ગેરહાજરી રિંકુ સિંહ અને અક્ષર પટેલને વધુ તક આપી શકે છે. વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની શક્યતા છે. સતત રમતા વરુણ ચક્રવર્તીને આરામ અપાઈ શકે છે. સુપર 8 પહેલા ટીમ પાસે પોતાને વધુ મજબૂત બનાવવાની આ સુવર્ણ તક છે

નેધરલેન્ડ્સ સામે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન : ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ. (PC: PTI/X)