
ભારતીય યુવા ઓપનર અભિષેક શર્માનો T20 વર્લ્ડ કપ 2026 માં ડેબ્યૂ યાદગાર રહ્યો નહોતો. શરૂઆતની ત્રણેય મેચોમાં તે ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો. બાદમાં સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે 15 રન બનાવી તેણે રનની શરૂઆત કરી, છતાં તેના નામે અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો. જોકે, તે આ યાદીમાં એકલા નથી.

પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને તેની વિસ્ફોટક બેટિંગ માટે "બૂમ બૂમ આફ્રિદી" તરીકે ફેમસ હતો, પરંતુ T20 વર્લ્ડ કપમાં તે એક શરમજનક રેકોર્ડ પણ ધરાવે છે. T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ પાંચ વખત શૂન્ય રન પર આઉટ થવાનો રેકોર્ડ આફ્રિદીના નામે છે. T20 વર્લ્ડ કપમાં 34 મેચોમાં 32 ઇનિંગ્સમાં આફ્રિદી પાંચ વખત કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો છે.

આ યાદીમાં બીજું નામ શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર તિલકરત્ને દિલશાનનું છે. આફ્રિદીની જેમ, દિલશાન પણ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વાર શૂન્ય આઉટ થયો છે. દિલશાને 35 T20 વર્લ્ડ કપ મેચોમાં કુલ પાંચ વાર ખાતું ખોલાવ્યા વિના જ પોવેલિયન ભેગો થયો હતો.

આ યાદીમાં ત્રીજું નામ શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનર સનથ જયસૂર્યાનું છે. ક્રિકેટના સૌથી ખતરનાક ઓપનિંગ બેટ્સમેનોમાંના એક, સનથ જયસૂર્યા 18 T20 વર્લ્ડ કપ મેચોમાં ચાર વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ ધરાવે છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ડક આઉટ થવા મામલે ચોથા ક્રમે છે વેસ્ટ ઈન્ડિઝનો લેન્ડલ સિમન્સ. સિમન્સે વેસ્ટ ઈન્ડિઝ માટે 14 T20 વર્લ્ડ કપ મેચ રમી હતી. જેમાં તે ચાર વખત શૂન્ય પર આઉટ થયો હતો.

આ યાદીમાં આયર્લેન્ડના જ્યોર્જ ડોકરેલ પાંચમા ક્રમે છે. ડોકરેલે આયર્લેન્ડ માટે કુલ 22 T20 વર્લ્ડ કપ મેચ રમી હતી, જેમાં તે ચાર વખત કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.

T20 ક્રિકેટમાં જોખમ અને આક્રમણ સાથે જોડાયેલા આવા રેકોર્ડ્સ બતાવે છે કે મોટું નામ હોવા છતાં શૂન્યથી બચવું હંમેશા સરળ નથી. આ જ ફોર્મેટની ખાસિયત છે કે અહીં એક બોલમાં મેચ અને પ્રતિષ્ઠા બંને બદલાઈ શકે છે. (PC:PTI/X)