
ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની પરંપરા હંમેશા રહી છે અને હવે આ યાદીમાં વૈભવ સૂર્યવંશીનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. IPL 2026માં તેના જબરદસ્ત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારો તેને સિનિયર ટીમમાં તક આપવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.

ચીફ સિલેક્ટર અજીત અગરકરે વૈભવને આયર્લેન્ડ પ્રવાસ માટે શોર્ટલિસ્ટ કર્યો હોવાનું કહેવાય છે. આ નિર્ણય દર્શાવે છે કે ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને વહેલી તકે આંતરરાષ્ટ્રીય સ્તરે અજમાવવા માગે છે.

જો વૈભવ આ શ્રેણીમાં ડેબ્યૂ કરે છે, તો તે સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય ખેલાડીનો ઐતિહાસિક રેકોર્ડ તોડી શકે છે. સચિને માત્ર 16 વર્ષની ઉંમરે ભારત માટે રમવાનું શરૂ કર્યું હતું.

સચિન તેંડુલકરે 1989માં કરાચીમાં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જે અત્યાર સુધી એક માઈલસ્ટોન છે.

શેફાલી વર્મા 15 વર્ષ, 7 મહિના અને 27 દિવસની ઉંમરે ભારત માટે રમનાર સૌથી નાની ઉંમરની ક્રિકેટર છે. જો વૈભવ આયર્લેન્ડ સામે રમે છે, તો તે શેફાલી અને સચિનનો રેકોર્ડ તોડી નાખશે.

IPLમાં વૈભવનું પ્રદર્શન તેની પસંદગીનું સૌથી મોટું કારણ બન્યું છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે પોતાની પહેલી જ મેચમાં આત્મવિશ્વાસપૂર્વક બેટિંગ કરી હતી અને મોટા શોટ્સ સાથે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ખાસ કરીને ગુજરાત ટાઈટન્સ સામેની તેની સદી અને અંડર-19 વર્લ્ડ કપમાં તેની 175 રનની ઐતિહાસિક ઈનિંગે તેને ચર્ચાના કેન્દ્રમાં રાખ્યો છે. તેની બેટિંગમાં દેખાતી પરિપક્વતા અને આક્રમકતા તેને અન્ય યુવા ખેલાડીઓથી અલગ બનાવે છે.

IPL ચેરમેન અરુણ ધૂમલે પણ વૈભવની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. તેમના મતે, આટલી નાની ઉંમરે આવી પ્રતિભા દુર્લભ છે અને તેને યોગ્ય માર્ગદર્શન મળશે તો તે ભારતીય ક્રિકેટનો ભવિષ્ય બની શકે છે. (PC:PTI/X/ESPN)
Published On - 6:49 pm, Tue, 14 April 26