
IPL 2026માં યુવા પ્રતિભાઓની વચ્ચે અનુભવી ખેલાડીઓ પોતાની છાપ છોડતા જોવા મળી રહ્યા છે. ટૂર્નામેન્ટની અડધી સિઝન સુધી કેટલાક સિનિયર ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. સતત ફોર્મ જળવાઈ રહ્યું તો આ ખેલાડીઓ ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે અને આગામી શ્રેણીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

શ્રેયસ અય્યર આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે કપ્તાની અને બેટિંગ બંનેમાં મજબૂત દેખાવ કરી રહ્યો છે. પાંચ ઇનિંગ્સમાં 208 રન સાથે તેણે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખાસ કરીને શ્રેયસની સફળ કેપ્ટનશીપ બાદ તેને ભારતીય T20 ટીમમાં નવા કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે, પરંતુ IPLમાં તેણે ફરી પોતાની લય પકડી છે. નવા બોલથી અસરકારક બોલિંગ કરીને તેણે બેટ્સમેનોને સતત મુશ્કેલીમાં મુક્યા છે. પાંચ વિકેટ સાથે તે ફરી પસંદગીકારોની નજરોમાં આવ્યો છે.

પ્રસિદ્ધ કૃષ્ણા હાલ આ સિઝનમાં બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. 6છ મેચમાં 12 વિકેટ અને એક ચાર વિકેટ હોલ સાથે તેણે પોતાનું ફોર્મ સાબિત કર્યું છે. તેની લાઈન એન્ડ લેન્થવાળી બોલિંગ ભારતીય ફાસ્ટ બોલિંગ યુનિટ માટે મોટો પ્લસ પોઈન્ટ બની શકે છે.

ભુવનેશ્વર કુમાર પણ IPL 2026માં પોતાના સ્વિંગ અને અનુભવથી પ્રભાવિત કરી રહ્યો છે. 6 મેચમાં 10 વિકેટ સાથે તેણે ડેથ ઓવર્સમાં અસરકારક બોલિંગ કરી છે. RCB માટે તેનો અનુભવ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.

કૃણાલ પંડ્યા છેલ્લા પાંચ વર્ષથી ભારતીય ટીમની બહાર છે, પરંતુ IPLમાં તેણે ફરીથી પોતાની ઓલરાઉન્ડ ક્ષમતા બતાવવાનો પ્રયાસ કર્યો છે. 6 મેચમાં 8 વિકેટ સાથે તેણે બોલિંગમાં યોગદાન આપ્યું છે, જોકે બેટિંગમાં કોઈ ખાસ ઇનિંગ નથી રમ્યો. (PC:PTI/X)