
ક્રિકેટના મેદાન પર દેશનું પ્રતિનિધિત્વ કરનારા અનેક ભારતીય ખેલાડીઓએ નિવૃત્તિ બાદ રાજકારણમાં પણ નસીબ અજમાવ્યું છે. આ યાદીમાં એવા 11 જાણીતા ક્રિકેટરો સામેલ છે, જેમણે રમત બાદ જાહેર જીવનમાં નવી ભૂમિકા અપનાવી.

મનસૂર અલી ખાન પટૌડી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'ટાઇગર પટૌડી' તરીકે જાણીતા મનસૂર અલી ખાને પણ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 1971માં વિશાલ હરિયાણા પાર્ટી અને 1991માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ બંને વખત તેમને હાર મળી હતી.

નવજોત સિંહ સિદ્ધુ: પૂર્વ ભારતીય ઓપનર નવજોત સિંહ સિદ્ધુએ 2004માં ભાજપની ટિકિટ પર અમૃતસરથી લોકસભાની ચૂંટણી જીતી હતી. બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને પંજાબ સરકારમાં સ્થાનિક સ્વરાજ્ય, પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી પણ બન્યા હતા.

કીર્તિ આઝાદ: 1983નો વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના સભ્ય કીર્તિ આઝાદે ભાજપ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ બિહારના દરભંગાથી સાંસદ બન્યા હતા. બાદમાં કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. 2024માં તેઓ દુર્ગાપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.

મોહમ્મદ અઝહરુદ્દીન: ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. તે જ વર્ષે ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેમણે રાજસ્થાન અને તેલંગાણામાં પણ ચૂંટણી લડી હતી.

ચેતન ચૌહાણ: પૂર્વ ભારતીય ઓપનર ચેતન ચૌહાણ ભાજપમાં જોડાયા હતા. તેઓ 1991 અને 1998માં ઉત્તર પ્રદેશની અમરોહા બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. બાદમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી.

ગૌતમ ગંભીર: 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. જોકે, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં તેમણે રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા.

હરભજન સિંહ: ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે 2022માં આમ આદમી પાર્ટી સાથે રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ પંજાબમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ક્રિકેટમાં બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા હરભજન હવે રાજકીય ક્ષેત્રમાં પણ સક્રિય છે.

સચિન તેંડુલકર: ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરને 2012માં રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 2012થી 2018 સુધી સંસદના ઉપલા ગૃહમાં સભ્ય તરીકે સેવા આપી હતી. જોકે, તેઓ સક્રિય રાજકીય પક્ષ સાથે જોડાયા નહોતા.

વિનોદ કાંબલી: સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને પૂર્વ ભારતીય બેટ્સમેન વિનોદ કાંબલીએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ લોક ભારતી પાર્ટી સાથે જોડાયા હતા અને 2009માં મુંબઈની વિક્રોલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને સફળતા મળી નહોતી.

મોહમ્મદ કૈફ: ભારતના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર પ્રદેશની ફૂલપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, ભાજપના કેશવ પ્રસાદ મૌર્ય સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

મનોજ તિવારી: પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેઓ શિબપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને મમતા બેનર્જીની સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આ રીતે તેમણે ક્રિકેટની સાથે રાજકીય ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવી હતી.

યુસુફ પઠાણ: યુસુફ પઠાણ 2024માં તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા, જોકે બાદમાં તેમણે NCPIનો હાથ પકડ્યો હતો.

શ્રીસંત: એસ શ્રીસંતે પણ ક્રિકેટ બાદ રાજકારણમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. શ્રીસંતે 2016માં ભાજપમાં જોડાઈને કેરળ વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલ: સ્ટાર ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ રાજકારણમાં જોડનાર લેટેસ્ટ ક્રિકેટર છે. યુઝવેન્દ્ર ચહલ નવેમ્બર 2026માં ભાજપમાં જોડાયો છે. (PC:PTI/X)
Published On - 6:40 pm, Mon, 23 November 26